સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

વાંકાનેરના જડેશ્વર પાસે તળાવમાં ન્હાવા પડેલ જસદણના મુળજીભાઈ પરમારનું ડૂબી જતા મોત

મૃતક મુળજીભાઈ મિત્ર સાથે હડમતીયા પાલણ પીરના મેળામાં સેવા આપવા આવ્યા હતાઃ મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડતા દુર્ઘટના સર્જાઈઃ વાંકાનેર ફાયર બ્રિગેડ દ્વારા લાશની શોધખોળ હાથ ધરાઈ

રાજકોટ, તા. ૨૩ :. વાંકાનેરના જડેશ્વર પાસે તળાવમાં ન્હાવા પડેલ જસદણના સેવાભાવી પ્રૌઢનું ડૂબી જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જડેશ્વર ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા પડેલ મુળજીભાઈ પૂંજાભાઈ પરમાર દલિત (ઉ.વ. ૫૦)નું ડૂબી જતા મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા વાંકાનેર ફાયર બ્રિગેડનો સ્ટાફ તરવૈયા સાથે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક મુળજીભાઈ મિત્રો સાથે જસદણથી હડમતીયા પાલણપીરના મેળામાં સેવા આપવા માટે આવ્યા હતા અને મિત્રો સાથે બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા પડતા મુળજીભાઈનું ડૂબી જતા મોત નિપજ્યુ હતું. આ બનાવથી સેવાભાવી યુવાનોમાં શોકની લાગણી ફેલાય છે.

(12:17 pm IST)