સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ઉનાની ખજુદ્રા આંગણવાડીના બાળકો ઉપર જીવનું જોખમ : છત સહિત બાંધકામ જર્જરીત

ઉના તા.૨૩ : તાલુકાના ખજુદ્રા ગામની આંગણવાડીના બાળકોની જીંદગી ભગવાન ભરોસે છે. છત સહિત બાંધકામ જર્જરીત થયેલ છે.

ખજુદ્રા ગામની અંદર બે આંગણવાડી આવેલ છે તેમાં આશરે ૭૨ બાળકો રોજના ભણવા માટે આવે છે ૭૨ બાળકો વચ્ચે ચાર શિક્ષિકા છે. ખજુદ્રા ગામની અંદર ૫૦૦ થી વધુ નાના બાળકો આંગણવાડીમાં ભણી શકે છે પણ આખા ગામની અંદર જ ર આંગણવાડી હોવાથી બાળકો ભણી શકતા નથી હજી વધારે બે આંગણવાડી બનાવાય તો તમામ બાળકો ભણી શકે છે.

આંગણવાડીની અંદર બાળકો જીંદગી ભગવાનને ભરોસે ભણી રહ્યા છે. પાણી લાઇટ પંખા જેવી સુવિધાઓ તો નથી ઉપરથી છતના પોપડા ખરે છે તમામ બાળકો ખતરામાં છે. આંગણવાડીના તમામ રૂમના દરવાજાઓ બારી તૂટી ગયેલ હાલતમાં છે હજી સુધી રીપેર થયા નથી. બાથરૂમ તથા રૂમની અંદર પ્રદૂષણ છે. તથા આંગણવાડીની આસપાસ જગ્યામાં પણ મોટા પાયે પ્રદૂષણ ફેલાયેલ છે તેથી તેના કારણે બાળકો ઉપર મોટી ગંભીર બિમારી થવાનો ભય છે.

તંત્ર જો ખજુદ્રા ગામની આંગણવાડીની મુલાકાત કરે તો ખબર પડે કે ખજુદ્રાન ગામના બાળકો આંગણવાડીમાં ભણવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે. આગામી દિવસોમાં ખજુદ્રા ગામની આંગણવાડીની સમસ્યાનો હલ નહી કરવામાં આવે તો આંગણવાડીમાં ભણવા તમામ બાળકો ઉપર ગંભીર પરિસ્થિતિ સર્જાઇ શકે તેવો ભય છે.

(12:10 pm IST)