સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ગુજરાત વિદ્યુત મજદૂર સંઘ કર્મચારીઓના પ્રશ્નો અંગે આંદોલનના માર્ગે : પત્ર પાઠવ્યો

રાજકોટ, તા ર૩ : ગુજરાત વિદ્યુત મજદૂર સંઘે જેટકોના મુખ્ય ઇજનેરને પત્ર પાઠવી ઉમેર્યું હતું કે, આપના તાબા હેઠળના તમામ વર્તુળ કચેરીઓના કામદારોના અનેકવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંઘ દ્વારા અવારનવાર દરેક વર્તુળ કચેરીઓમાં અધિક્ષક ઇજનેરશ્રીઓએ રૂબરૂ , ટેલફોનિક તથા લેખિત રજુઆત કરવામાં આવેલ છે, પરંતુ કોઇ અગમ્ય કારણોસર અમારા સંઘની રજુઆતની કાયમી ધોરણે ઉપેક્ષા કરવામાં આવે છે અને કામદારોના ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી જેથી કરીને કામદારોમાં મેનેજમેન્ટ પ્રત્યે ઉગ્ર રોષ પ્રવર્તેલ છે. જે ઉગ્ર રોષની વાચા આપવા માટે અને પ્રશ્નોના નિરાકરણ ન આવવા બાબતે અને ગુ.વિ.મ. સંઘની કાયમી ઉપેક્ષા થતા અમો કામદારોની સાથે રહીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો નિર્ણય લીધેલ છે.

આપના તાબા હેઠળના તમામ વર્તુળ કચેરીઓમાં જી.યુ.વી.એન.એલ. દ્વારા પાડેલા પરિપત્રો તેમજ પાડવામાં આવતા પરિપત્રોની યુનિફોર્મ પોલીસી મુજબ કોઇ પ્રવહન વર્તુળ કચેરીમાં પાલન થતું નથી. તેમજ તેઓના અધિક્ષક ઇજનેરશ્રીઓ દ્વારા ઇચ્છા મુજબનું અર્થઘટન કરી અને કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવે છે જે કર્મચારીઓના હિતમાં કદી પણ હોતા નથી.

કામદારોના ન્યાયિક પ્રશ્નો કોઇપણ એક સંગઠનના પક્ષકાર બની અમારા સંઘની સાચી રજુઆતની સતત અવગણના કરી યુનિફોર્મ પોલીસીને નેવે મૂકી, જે નિયમ વિરૂદ્ધ વર્તી સતત અન્યાય કરવામાં આવે છે જેના કારણે અમો ુ.વિ.મ.સંઘ દ્વારા ન છૂટકે આંદોલનાત્મક પગલા લેવાની ફરજ પડે છે.

ભારતીય મજદૂર સંઘના સિદ્ધાંતોને વરેલા હોય અમો પ્રથમ રાષ્ટ્રહિત, ઔદ્યોગિક હિત અને કામદારોના હિતને પ્રાધાન્ય આપીએ છીએ. જેથી અમો ન્યાય સંબંધિત પ્રક્રિયાથી વરેલા હોય માટે ગુવિ.મ. સંઘ તબક્કાવાર કાર્યક્રમો યોજી કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા યોગ્ય પ્રયત્ન કરશે.

ભારતીય મજદૂર સંઘની પ્રણાલી મુજબ, સંઘની શિસ્તમાં રહી દરેક વર્તુળ કચેરીઓમાં તબક્કાવાર ગાંધી ચિંધ્યા માર્ગ જઇ આંદોલનાત્મક પગલા લેવા જઇ રહ્યા છીએ. જેની આપ ગંભીરતાથી નોંધ લેશો. જેનાથી પડતી તમામ હાલાકીની અને વ્યવસ્થાની અંદર ઉભી થતી મુશ્કેલીઓની તમામ જવાબદારી આપની તથા તમામ અધિક્ષક ઇજનેરની અંગત રહેશે.

(11:42 am IST)