સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd July 2021

સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત ધર્મસ્‍થાન વિરપુરમાં પૂ. જલારામ બાપાના મંદિરના દ્વાર આજથી દર્શન માટે ખુલતા ભાવિકોમાં હરખની હેલી

ગુરૂપૂર્ણિમાના શુભ અવસરે પૂ. જલારામબાપાના દર્શન કરી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી

રાજકોટ : રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા કેસો ને કાબુમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. તેમજ ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોરોના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે . ત્યારે હવે સૌરાષ્ટ્રનું યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવી હતી. પરંતુ દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો સવા વર્ષથી બંધ હતો. જે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ભાવિકો માટે મુખ્ય દ્વાર ખુલતા જ દર્શનાર્થીઓ લાગણી અનુભવી રહ્યાં હતા .

જલારામ મંદિર માં પહેલા જગ્યાની બાજુના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલ્લો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

જલારામ મંદિર માં દર્શાનાર્થીઓને, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું અને સરકારની ગાઇડલાઈન પ્રમાણે રજિસ્ટ્રેશન કરી ટોકન મેળવી અને દર્શન કરવા આવવાની સુચના અપાઈ છે .

(9:06 pm IST)