સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

બોટાદ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનની વાડીએ દરોડોઃ દારૂ પીતા વાઈસ ચેરમેન અને કોંગ્રેસ પ્રમુખ સહિત ૩ સામે કાર્યવાહીઃ પોલીસ સાથે ઝપાઝપી

બોટાદ, તા. ૨૩ :. બોટાદ જિલ્લાના માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનની વાડીએ દારૂની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી હતી અને દારૂની મહેફીલ માણનાર યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, કોંગ્રેસ પ્રમુખ સહિત ૩ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ દરમિયાન ઝપાઝપી થતા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન જોરૂભાઈ ધાધલની વાડીએ ગઈકાલે સાંજે દારૂની મહેફીલ કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.એમ. પટેલ, લાખાભાઈ કોળી સહિતના દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા.

જો કે આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ડી.એમ. પટેલ ભાગી છૂટયા હતા અને પોલીસે બોટાદ યાર્ડના ચેરમેન જોરૂભાઈ ધાધલ તથા લાખાભાઈ કોળીની ધરપકડ કરી હતી. જેની જાણ જારૂભાઈ ધાધલના પુત્ર રઘુભાઈને થતા તે વાડીએ દોડી આવ્યા હતા અને પોલીસ સાથે રકઝક કરીને ઝપાઝપી પણ કરી હતી. જેથી પોલીસે જોરૂભાઈ ધાધલ, ડી.એમ પટેલ, લાખાભાઈ કોળી અને રઘુભાઈ ધાધલ સામે કાર્યવાહી કરી છે.

આ દરમિયાન પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ ડી.એમ. પટેલ નાસી છૂટતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(5:31 pm IST)