સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

બોટાદ જિલ્લામાં દરેક ગામોમાં ટીબીના ઝડપી નિવાનલી કાર્યવાહી થશે

બોટાદ, તા.૨૩: બોટાદ જિલ્લા ક્ષય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતને ૨૦૨૫ સુધીમાં ટીબી મૂકત કરવાના વડાપ્રધાનશ્રીના અભિયાન અંતર્ગત એકટીવ કેસ ફાઈન્ડીંગની કામગીરી દ્વારા ટીબીનું વહેલુ અને ઝડપી નિદાન થઈ શકે તે હેતુથી ભારત સરકારના સેન્ટ્રલ ટીબી ડિવીઝન દ્વારા ગુજરાતમાં CBNAAT વાન ફાળવવામાં આવેલ છે.

 આ વાન બોટાદ જિલ્લામાં તા. ૨૫ થી તા. ૬-૭-૨૦૧૮ સુધી ફરશે અને ટીબી માટે હાઈ રીસ્ક ધરાવતા અંતરીયાળ ગામ તથા સ્લમ વિસ્તારમાં જઈને ટીબીના લક્ષણો જેવા કે, બે અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાંસી, સાંજના સમયે ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી અને વજનમાં ઘટાડો થવો જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું ટીબી માટે નિદાન કરશે.

ટીબી માટે હાઈ રીસ્ક ધરાવતા દર્દી જેવા કે ડાયાબિટીશ, એચ.આઈ.વી., કિડનીની બિમારી, કેન્સર, કોઈપણ પ્રકારનું વ્યસન ધરાવતા તેમજ ટીબીના દર્દીના સંપર્કવાળા વ્યકિતઓએ ગમે તેટલા સમયની ખાંસી હોય તો પણ CBNAAT  દ્વારા ટીબીની તપાસ અચૂક કરાવવી. CBNAAT  ટીબીની તપાસ માટેનું અઘતન અને ઝડપી નિદાન કરતું મશીન છે. ટીબી મૂકત થવામાં ટીબીનું વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર અગત્યનો ભાગ ભજવે છે.

બોટાદ જિલ્લામાં તા. ૨૫ મી જૂનના રોજ  CBNAAT વાનનો શુભારંભ કરવામાં આવશે. આ વાન ગઢડા તાલુકાના ધ્રુફણીયા, ભીમડાદ, પીપળીયા, રામપરા, વાવડી, ઈતરીયા, ગુંદાળા, સમઢીયાળા, માંડવધાર, ઢસા ગામ, બરવાળા તાલુકાના રામપરા, ખાંભડા, રેફડા, વાઢેળા, વહીયા, ચોકડી, રાણપુર તાલુકાના કુંડળી, અળઉ, પાણવી, સુંદરીયાણા, માલણપુર, ચંદરવા, બોટાદ તાલુકાના સરવા, બોડી, લીંબોડા, નાના ભડલા, ગઢડીયા, કાનીયાડ, પાટી, મોટા જીંજાવદર અને ભાંભણ ગામોમાં ફરશે જેનો જાહેર જનતાને લાભ લેવા  અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:57 am IST)