સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

ગોંડલ પાલિકા હવે મિલ્કત ધારકોના વેરા વસુલ કરવા કડક કાર્યવાહી કરશે

શહેરના વિકાસમાટે આવક પણ થવી જરૂરીઃ પ્રમુખ-ઉપપ્રમુખ

ગોંડલ, તા.૨૩: ગોંડલ નગરપાલિકાની હદમાં મિલકત ધરાવતા વ્યાપારીઓ, શોપિંગ સેન્ટર, શાકમાર્કેટ તેમજ મોબાઇલ ટાવર ભાડા અને મનોરંજન કર વ્યાપક પ્રમાણમાં બાકી હોય પાલિકા તંત્ર દ્વારા મિલકત ધારકોનો બાકી રહેતો વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના નવા વરાયેલ પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય દ્વારા શહેરીજનોની સુખાકારી માટે ધડાધડ નિર્ણયો લઇ શહેરના વિકાસને ગતિશીલ બનાવવા કમર કસવામાં આવી છે ત્યારે વિકાસની સાથે સાથે પાલિકા તંત્રમાં વેરાની આવક થવી પણ જરૂરી હોય શહેરીજનો પાસે બાકી રહેતો મિલકત વેરો ઉદ્યરાવવા સુચના અપાઈ છે, ચીફ ઓફિસર એચ.કે.પટેલ , ટેકસ સુપ્રિ. ઇન્ચાર્જ અશોકસિંહ ઝાલા અને ટેક્ષ શાખા દ્વારા મકાન વેરા, દિવાબતી કર, સફાઈ કર, પાણીવેરો, નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરના ભાડા, શાક માર્કેટની અંદર આવેલ થડાના ભાડા, મોબાઈલ ટાવરના ભાડા તેમજ મનોરંજન કર( ડીશ કનેકશન) કર બાકી હોય તેઓને નોટિસ આપી દસ દિવસની અંદર વેરો ભરપાઇ કરવા જણાવાયું છે. નિયત સમયમાં વેરો ભરપાઈ કરવામાં નહીં આવેતો શેર શરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતું.

વીજ પોલ પર લગાવેલા બોર્ડ ઉતારી લેવા સૂચના

શહેરના રાજમાર્ગો પર આવેલા વીજપોલ પર વ્યાપક પ્રમાણમાં જાહેરાત ના બોર્ડ લગાવવામાં આવ્યા હોય પાલિકા તંત્ર દ્વારા આવા બોર્ડ ને ઉતારી લેવા સૂચના અપાઇ છે અન્યથા પાલિકાતંત્ર આ બંને ઉતારી જે તે જાહેરાત કરતા પાસેથી તેનો ખર્ચ વસુલ કરશે.

(11:56 am IST)