સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

કોટડા સાંગાણીના કરમાળ પીપળીયામાં મામાની દગાખોરીથી પટેલ યુવાન મનોજ સળગ્યોઃ ગંભીર

મામા હકાભાઇ ઠુમ્મરે ૫૦ હજાર લઇ પરપ્રાંતિય યુવતિ સાથે સગપણ કરાવ્યું હતું: પણ એ રકમ યુવતિના પરિવારને આપી નહોતીઃ યુવતિ જતી રહેતાં પાછી જોઇતી હોય તો બીજા ૫૦ હજાર થશે તેવું મામાએ કહેતાં મનોજ પડાળીયા (ઉ.૨૨)ને માઠુ લાગી ગયું

રાજકોટ તા. ૨૩: કોટડા સાંગાણીના કરમાળ પીપળીયા ગામે રહેતાં લેઉવા પટેલ યુવાન સાથે તેના મામાએ પરપ્રાંતિય યુવતિ સાથે સગપણ કરાવવામાં દગાખોરી કરતાં આ યુવાનને માઠુ લાગી જતાં અગ્નિસ્નાન કરી લીધું છે. ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

કરમાળ પીપળીયા રહેતાં મનોજ જેન્તીભાઇ પડાળીયા (ઉ.૨૨) નામના લેઉવા પટેલ યુવાને રાત્રે ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કોટડા પોલીસને જાણ કરી હતી. મનોજ એક બહેનથી નાનો છે અને પિતા સાથે ખેત મજૂરી કરે છે. તેના પિતા જેન્તીભાઇ કલાભાઇ પડાળીયાએ જણાવ્યું હતું કે મારા દિકરા મનોજનું સગપણ થતું ન હોઇ ઘોઘાવદર રહેતાં તેના મામા હકાભાઇ હરિભાઇ ઠુમ્મરને વાત કરતાં તેણે પોતે મધ્યપ્રદેશની છોકરી ગોતી આપશે તેવી વાત કરી રૂ. ૫૦ હજાર ખર્ચ પેટે લીધા હતાં. એ પછી તેણે મોરબીમાં અગાઉ પરણાવાયેલી યુવતિ શોધી લાવી મારા દિકરા મનોજ સાથે સગપણ કરાવ્યું હતું.  લગ્ન વગર જ આ યુવતિ મનોજ સાથે પત્નિ તરીકે રહેવા માંડી હતી.

પરંતુ ત્રણેક દિવસ પહેલા આ યુવતિ તેના માવતરના ઘરે એમ.પી. જતી રહી હતી. અમે તપાસ કરતાં એવી ખબર પડી હતી કે સગપણ પેટે તેના વાલીઓને પૈસા મળ્યા જ નથી. આ રકમ મારો સાળો એટલે કે મનોજનો મામો હકાભાઇ ખાઇ ગયાની ખબર પડી હતી. યુવતિને પાછી બોલાવી લાવવા બાબતે મનોજે મામાને કહેતાં તેણે હવે પાછી બોલાવવી હોય તો બીજા પચાસ હજાર થશે...તેમ કહેતાં મનોજને માઠુ લાગી જતાં તેણે આ પગલું ભરી લીધુ હતું.

મનોજના પિતાની ઉપરોકત કેફીયત અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)       

(11:49 am IST)