સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

યોગનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે

સોમનાથ મંદિરના પરીસરમાં યોગદિનની ઉજવણી કરતા નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટઃ વિશ્વ યોગ દિન નિમિતે સોમનાથ મંદિર પરિસર ખાતે પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે યોગવ્યકિતના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારીત છે. જેનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. તે સ્વસ્થ જીવન જીવવા માટેની એક કલા વિજ્ઞાન છે. સમસ્ત વિશ્વમાં લાખો લોકોને યોગાસભ્યાસ દ્વારા લાભ થયો છે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, રાજય સભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, કલેકટર અજય પ્રકાશ, ડીડીઓ સંજય મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ, મંજુલાબેન સોયાણી, સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર સહિત બહોળી સંખ્યામાં ભાવિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૩)

(11:48 am IST)