સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

સરધારના નવાગામમાં ખેતરના શેઢે જેસીબી ચલાવવાની ના પાડતાં પિતા-પુત્ર પર હુમલો

જયરાજ જળુ અને પિતા પ્રભાતભાઇને કોૈટુંબીક સગા વિપુલ અને તેના કાકા પથુભાઇએ લાકડી-ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩: સરધારના નવાગામમાં આહિર પિતા-પુત્રએ પોતાના ખેતરના શેઢે ખરાબાની જગ્યામાં જેસીબી ચલાવી રહેલા કોૈટુંબીક કાકા-ભત્રીજાને જેસીબી ચલાવવાની ના પાડતાં બંનેએ ગાળો દઇ લાકડીથી હુમલો કરી ઢીકા-પાટુ પણ મારતાં સારવાર લેવી પડી હતી.

બનાવ અંગે આજીડેમ પોલીસે સરધારના નવાગામમાં હનુમાનજીના મંદિર સામે રહેતાં અને ખેતી કામ કરવા ઉપરાંત ટીઆરબી સેકટર-૪માં માનદ સેવા કરતાં જયરાજ પ્રભાતભાઇ જળુ (ઉ.વ.૧૯) નામના આહિર યુવાનની ફરિયાદ પરથી તેના જ ગામના વિપુલ વેરસલભાઇ જળુ તથા પથુ ગોવિંદભાઇ સામે ગુનો નોંધ્યો છે.

જયરાજે ફરિયાદમાં જણાવ્યું છે કે હું તથા મારા પિતા હરિપર ગામના જુના માર્ગ પર ટીંબીવાળા ખેતરે ૧૮મીએ સાંજે પાંચેક વાગ્યે હતાં ત્યારે અમારી બાજુમાં ખરાબાની જગ્યા છે ત્યાં અમારા કુટુંબી વિપુલ જળુ તથા તેના કાકા પથુભાઇ ખરાબાની જગ્યામાં અમારા શેઢે જેસીબી ચલાવતાં હોઇ અમે તેને જેસીબી ચલાવવાનું બંધ કરવાનું કહેતાં તેના ડ્રાઇવર સુરેશભાઇએ જેસીબી બંધ કરતાં વિપુલ અને પથુભાઇએ તેને જેસીબી બંધ કરવાની ના પાડી કામ તો થશે જ તેમ કહેતાં બોલાચાલી થઇ હતી. એ પછી આ બંનેએ અમનેગાળો દીધી હતી અને પથુભાઇએ મને પકડી લઇ વિપુલે લાકડી મારી લીધી હતી. મારા પિતાજી વચ્ચે પડતાં તેને પણ આ બંનેએ લાકડી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. દેકારો થતાં બીજા માણસો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. મને તથા મારા પિતાને સરધાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ મામલે હવે ફરિયાદ નોંધાવી છે.

એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ગુનો નોંધતા પીએસઆઇ જી. એન. વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)