સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

જુનાગઢ જિલ્લામાં ૧૯ દિવસમાં ૧૯ વ્યકિતને કોરોના પોઝીટીવ

૧૧ પુરૂષ અને ૮ સ્ત્રીને કોરોના, ૧પ એકટીવ : જુનાગઢ સીટી સહિતના ૩ર૭ સેમ્પલ પેન્ડીંગ

જુનાગઢ તા.ર૩ : જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે છેલ્લા ૧૯ દિવસમાં ૧૯ વ્યકિતને કોરોના પોઝીટીવ થયો છે.

જેમાં ૧૧ પુરૂષ અને ૮ સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. જો કે હાલ ૧પ કેસ એકટીવ છે.

જુનાગઢ જિલ્લામાં કેશોદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ કોરોના પિડીત વ્યકિતઓની ૧પ વર્ષીય દિકરીનો પણ રીપોર્ટ પોઝીટીવ આવતા કેશોદમાં કોરોના કેસ વધીને ૪ થયેલ છે.

ગત રાત્રે જુનાગઢનાં એક ૪૦ વર્ષીય પુરૂષનો પણ રિપોર્ટ પોઝીટીવ આવતા જુનાગઢ સીટીનાં કેસ બે થઇ ગયા છે.

આ સાથે જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસ વધીને કુલ ૧૯ થયા છે. જેમાં ૧૧ પુુરૂષ અને ૮ સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.

જુનાગઢ જિલ્લામાં ગત તા.પાંચ મે ના રોજ ભેંસાણ ખાતેથી કોરોનાએ એન્ટ્રી મારી હતી આ પછી ૧૦ મે થી જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહયા છે. તા.પ મે થી આજ સુધીમાં એટલે કે ૧૦ દિવસ દરમિયાન જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૧૭ ઉપર પહોંચી ગઇ છે.

આમ જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૬ દિવસમાં દરરોજ સરેરાશ એક પોઝીટીવ કેસ નોંધાયો છે અને હજુ કોરોના કેસ વધવાની શકયતા નકારી શકાતી નથી.

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, જુનાગઢ જિલ્લામાં ૧૯ પોઝીટીવ કેસમાંથી ૧પ કેસ એકટીવ છે જયારે હજુ ૩ર૭ સેમ્પલ ેપેન્ડીંગ છે.

પેન્ડીંગ સેમ્પલમાં ગઇકાલે રૂરલ એરીયામાંથી લેવાયેલા ર૧૦ સેમ્પલ અને આજે જુનાગઢ  સીટી, રૂરલ અને જિલ્લામાંથી લેવાયેલ ૧૧૭ સેમ્પલનાં રીપોર્ટ આવવાના બાકી છે.

ડીડીઓ પ્રવિણ ચૌધરીએ લોકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે.

(12:46 pm IST)