સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ઉનાના ગાંગડા ગામે પોલીસ ઉપર હૂમલો કરનાર ૯ શખ્સો તથા રપ લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો

હાઇવે ઉપર વરસાદના પાણીના નિકાલ માટેના પાઇપ નાખવા પ્રશ્ને માથાકુટ બાદ પોલીસ આવતા ગ્રામ્યજનો ઉશ્કેરાયેલ

ઉના તા. ર૩ :.. તાલુકાના ગાંગડા ગામે હાઇવે ઉપર ચોમાસાના પાણી નિકાલ માટે પાઇપ નાખવા પ્રશ્ને હાઇવે મેનજર સાથે ગ્રામ્યજનોની માથાકુટ બાદ પોલીસ બોલાવતા ગ્રામ્યજનો ઉશ્કેરાય અને પોલીસ ટીમ ઉપર હુમલો કરતા ૩ પોલીસને ઇજા થઇ હતી.  આ બનાવની પોલીસ ફરીયાદ બાદ પોલીસ ટીમ ઉપર હુમલો કરનારા ૯ શખ્સો અને ર૦ થી રપ અજાણ્યા શખ્સોના ટોળા સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધ્યો છે. પોલીસ ઉપર હૂમલો કરનાર તમામ નાસી ગયેલ છે.

ઉનાના ગાંગડા ગામ પાસે આવેલ નેશનલ હાઇવે રોડ પરના પુલ પર ચોમાસાના વરસાદનું પાણીનો નિકાલ કરવા માટે ભુંગળુ નાખવાના કામમાં નેશનલ હાઇવેના મેનેજર સાથે ગ્રામજનો અડચણ રૂપ હોય આ અંગે પોલીસન જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયેલ ત્યાં ગ્રામજનો મહિલા સહિત ૩પ થી વધુ લોકોનું ટોળું આવી ચડલ અને હુમલો કરી મુઢમાર મારી ૩ પોલીસ કર્મચારી સહિતને ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે ફરીયાદ નોંધાવતા પોલીસે નાસી જનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

ગાંગડા ગામના લખમણ લોટા, હરેશ જીલુ,  ભરત જોધુ, ધીરૂ જોધુ, ટીડા લખમણ, રાજેશ ભીમા, જયેશ ટીડા, શબીર કાદર, ભરત ખોડુ, ભરત કાળુ, સહિતના અજાણ્યા ર૦ થી રપ શખ્સોનું ટોળું તેમજ પ થી ૭ મહીલાઓ સહિતના શખ્સોએ ગાંગડા ગામના પ્લોટ વિસ્તારમાં નેશનલ હાઇવે પર પુલનું કામ શરૂ હોય તેમાં ભુંગળુ નાખતા ચોમાસાના વરસાદના પાણીનો નિકાલ માટે તકલીફ પડશે તેવી રજુઆત કરી નેશનલ હાઇવેના મેેનેજર દેવેન્દ્રભાઇ પટેલ સાથે અડચણ રૂપ થતા પોલીસને જાણ કરી હતી.

અને પો. કો. સંદીપભાઇ વાજા, હિતેષભાઇ વાઘેલા, જયેશ બી. ઝણકાટ પહોંચી ગયેલ ત્યારે ગ્રામજનોએ કહેલ કે પોલીસ અહીયા શું કામ દોડી આવેલ અને શુટીંગ ઉતારવા લાગેલ ત્યારે શુટીંગ ન ઉતારો તેમ કહી આ પોલીસ કર્મીનો કાંઠલો પકડી ગાળો કાઢી ઝઘડો કરવા લાગતા અન્ય પોલીસ કર્મીઓને બોલાવલ ત્યારબાદ આ તમામ મહિલા સહિતના શખ્સો પોલીસ પર હૂમલો કરી કર્મીના હાથની આંગળીમાં બટૂક ભરી લીધેલ તેમજ ઝાપટ મારી તથા મુઢમાર મારી ઇજા પહોંચાડી હતી.

આ મારામારીમાં કરશનભાઇ ભીમાભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્સ. તેમજ ફરજ પરના પોલીસ કર્મીઓ પર ટોળાઓએ ગેરકાયદે હૂમલો કરતા ફરજ રૂકાવટ સહિતનો ગુન્હો નોંધી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા ના ચક્રોગતિમાન કરેલ છે.

(11:57 am IST)