સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો ફુંફાડોઃ વધુ ૬ પોઝીટીવ કેસ

વિસાવદરના બરડીયા ગામે એક સાથે પાંચ વ્યકિતને કેશોદમાં વૃધ્ધને કોરોના

જુનાગઢ તા.ર૩ : જુનાગઢ જિલ્લામાં કોરોનાએ ફુંફાડો મચાવ્યો છે અને આજે નવા ૬ પોઝીટીવ કેસ નોંધાતા ભારે ખળભળાટ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.

આજે સવારે ૧૧.રર કલાકે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જુનાગઢ જિલ્લામાં વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું અને આ સાથે જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક વધીને રપ ઉપર પહોંચ્યો છે.

ડી.ડી.ઓ. શ્રી પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ કે આજે આવેલા ૬ પોઝીટીવ કેસમાં વિસાવદર તાલુકાના બરડીયા ગામના પાંચ કેસનો સમાવેશ થાય છે. આ ગામના ૪૮ વર્ષીય મહિલા રર વર્ષીય યુવતી ર૮ વર્ષીય યુવાન, રર વર્ષીય યુવક અને ૧૦ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કેશોદના પ૮ વર્ષીય પુરૂષનો રિપોર્ટ આજે પોઝીટીવ આવતા કેશોદ શહેરના કોરોના કેસની સંખ્યા વધીને ૬ ઉપર પહોંચી ગઇ છે.

વિસાવદરના  બરડીયા ગામે આજે નોંધાયેલા પાંચ પોઝીટીવ કેસના દર્દીઓ મહારાષ્ટ્રના દહીશરથી આવેલા અને એક જ ડેલામાં રહે છે.

જયારે કેશોદમાં આજે નોંધાયેલ પોઝીટીવ કેસમાં દર્દીનો પરિવાર લોકડાઉન સમયે અમદાવાદ ખાતે ફસાય ગયો હતો. ૯ મે ના રોજ આ દર્દી તેમના પત્ની અને પુત્રને અમદાવાદ ખાતે લેવા માટે ગયા હતા અને ૧ર મે ના રોજ પરત આવેલ ત્યારથી તેઓ હોમ કોરન્ટાઇનમાં હતાં.

આમ જુનાગઢ જિલ્લામાં આજે કોરોના પોઝીટીવના વધુ ૬ કેસ નોંધાતા કુલ કેસ વધીને રપ થયેલ છે અને સબંધીત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી વધુ  સઘન બનાવવામાં આવી છે.

(12:47 pm IST)