સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

રાજ્યના ૯ જિલ્લાના ૩૧ ગામોમાં 'તીડ'નો ઉપદ્રવ

અમરેલી, ભાવનગર, રાજુલા, જામનગર, ધ્રાંગધ્રા, બોટાદ સહિતના વિસ્તારોમાં તંત્ર એલર્ટ : બાજરી, તલના પાકને નુકસાનથી ખેડૂતોની માઠી

ભાવનગરમાં તીડને નિયંત્રણમાં લેવાની કામગીરી : સ્પ્રે છંટકાવ : ભાવનગર : જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલનીની ઉપસ્થિતિમાં ભાવનગર તાલુકાના સેઢાવદર સહિત તીડ અસરગ્રસ્ત જિલ્લાના અન્ય સ્થળોએ દવાનો સ્પ્રે કરી તીડ નિયંત્રણની કામગીરી કરાઇ હતી. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

રાજકોટ તા. ૨૩ : ગુજરાત - સૌરાષ્ટ્ર કચ્છના ૯ જિલ્લાના ૩૧ ગામોમાં 'તીડ'નો ઉપદ્રવ થતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. અમરેલી, ભાવનગર, રાજુલા, જામનગર, ધ્રાંગધ્રા, બોટાદ સહિતના વિસ્તારોમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે અને બાજરી, તલના પાકને નુકસાનથી ખેડૂતોની માઠી બેઠી છે.

કોરોના સંકટ વચ્ચે તીડનું પણ સંકટ સામે આવ્યું છે. આફ્રિકા તરફથી આવેલું તીડનું મોટું ઝુંડ ગુજરાત તરફ વળ્યું છે. સૌરાષ્ટ્ર અને હાલરના ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તીડના ટોળા જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારા થયો છે. હાલારના જિલ્લાઓમાં તીડના આક્રમણનો ખતરો હોવાથી તંત્ર દ્વારા ૧૦૭૭ નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.

અમરેલી

અમરેલી : અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી રણતીડનાં આક્રમણનો પ્રશ્ન ઉભો થયો છે. આ તીડના કારણે ખેતરના ઉભા પાક અને ફૂલ-છોડને મોટાં પ્રમાણમાં નુકશાન થઈ શકે તેમ છે. આ મામલે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગઈકાલથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને લીલીયા તાલુકામાં તીડનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા ૧૧ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા હાલ તીડના નિરક્ષણ તેમજ નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તીડ દ્વારા જે નુકશાન થશે તેનું આકલન કરી રાજય સરકારને રીપોર્ટ મોકલવામાં આવશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે.પટેલએ જણાવ્યું હતું કે રણતીડ મોટાભાગે પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હમણાં થોડા સમયથી આ તીડએ સૌરાષ્ટ્ર માં પ્રવેશ કર્યો છે છે પ્રવેશ કર્યો છે છે ગઈકાલે સાંજે લીલીયાના સનાળિયા ગામે ગામે તીડ જોવા મળ્યા હતા જે ભાવનગર બાજુથી પવનની દિશા સાથે અહીં આવ્યા હતાં અને હવે ફરી ભાવનગર તરફ પરત ફર્યા છે. ગઈકાલે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે જોવા મળેલા તીડ હાલ ખાચરિયા ગામ તરફ વિચરિત થયા છે. તેમજ ખાંભા તાલુકાના રાયડી અને રાણીંગપરા ગામના ખેત વિસ્તારોમાં જોવા મળેલા તીડ તીડ હાલ આદસંગ ગામ બાજુ પવનની દિશામાં વિચરીત થયા છે. આ તીડનો ઉપદ્રવ રોકવા માટે ગ્રામકક્ષાએ જાગૃતિ લક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ઢોલ થાળી વગાડી અવાજ કરી અને તીડને ભગાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજુલા - ભાવનગર

રાજુલા - ભાવનગર : લોકડાઉન અને કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ રાજયના અન્નદાતાઓ (ખેડૂતો) સામે છેલ્લા બે-ત્રણ દિવસથી નવી સમસ્યા સર્જાતા તેઓના લહેરાતા મોલાત-પાક ઉપર તીડ દ્વારા આક્રમણ કરવામાં આવતા રાજયનો અન્નદાતા મુશ્કેલીમાં મુકાયો હતો એવા સમયે ભાવેણાના ખેડુપુત્ર અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ખેડૂતોની પીડા અને સંવેદનાને સૌથી પહેલા સમજી આજે તેઓએ ખેડૂતો માટે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતી અંગે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના કૃષિમંત્રી એવમ પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી રણછોડભાઈ ફળદુ સાથે વાતચીત કરી હાલમાં ધરતીપુત્રો માટે સર્જાયેલી સમસ્યા અંગે ચર્ચા કરી સરકાર તરફથી જરૂરી સાધન સામગ્રી, જરૂરી દવાઓનો પુરવઠો, કૃષિ વિભાગના નિષ્ણાત લોકોની ટિમ સહિતની જરૂરી તમામ સહાય રાજયના ખેડૂતોને સત્વરે મળી રહે તે માટે રજુઆત કરી હતી. શ્રી ફળદુએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની રજુવાત અને પોતે સ્વયમ પણ એક ધરતીપુત્ર હોવાના નાતે સમગ્ર બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક તેમના વિભાગના અને જરૂરી વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી રાજયના તીડ પ્રભાવિત વિસ્તારમાં સત્વરે તમામ સહાય કરવા ખાત્રી આપી હતી.

જામનગર

જામનગર : રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે જેના ટોળા હજારો માઈલ દૂરના દેશોમાં જઈ મોટું નુકસાન કરે છે. તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર ગુજરાત રાજયના અમુક જિલ્લામાં તીડ જોવા મળ્યા છે જે ધ્યાને લેતા જામનગર જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શકયતાઓ વિશે અગમચેતીના ભાગરૂપે જામનગર જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ કયાંથી એટલે કે કઈ દિશામાંથી આવ્યા?  કેટલા વિસ્તારમાં તીડ બેઠા, કયા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી મેળવી તુરંત જિલ્લા પંચાયત કચેરીના તીડ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૮૮-૨૫૫૬૧૧૯ પર જાણ કરવા ખેડૂતોને અનુરોધ છે. વધુમાં ખેડૂતોએ રણતીડ જોવા મળે તો તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.

રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટ્રેલર/ટ્રેકટર તૈયાર રાખવું, દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે કલોરપાયરીફોસ ૨૦% EC(૨૪ મીલી), ૫૦% EC (૧૦મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫% EC (૧૦ મીલી) મેલાથીયોન ૫૦% EC (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫% SC(૨.૫ મીલી), ફિપ્રોનીલ ૨.૯૨% EC (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% EC (૧૦ મીલી) દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા કરવામાં આવે છે.

(11:35 am IST)