સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd May 2018

ધોરાજીમાં યુનિક સ્કૂલના ૪ સંચાલકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

ગેરકાયદે બાંધકામ મુદ્દે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ

 ધોરાજી, તા. ૨૩ :. રામ મંદિર ગરબી ચોક ગંગોત્રી પાર્ક બ્લોક નં. ૧૦૩ મા રહેતા દિપકુમાર ગોવિંદભાઈ મોરીએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ યુનિક સ્કૂલના સંચાલકો નવીનચંદ્ર માકડીયા, છગનભાઈ વઘાસિયા, રાજેન્દ્રભાઈ સુરાણી, દેવાંગભાઈ વ્યાસ વિરૂદ્ધ કોગ્નીઝેબલ ઓફેન્સની લેખીત ફરીયાદ અરજી આવતા જણાવેલ કે અમો ખેડૂત ખાતેદાર પરિવારના છીએ અને ધોરાજી યુનિક સ્કૂલના જ સંચાલકોએ શાળામાં ભાગીદારી તથા રોકાણ કરવાથી ખૂબ સારો નફો સાથે પ્રતિષ્ઠા મળશે. જે લોભામણી વાતો કરતા અમોએ રૂ. ૩૦ લાખના રોકાણ સાથે તા. ૬-૪-૨૦૧૬ના રોજ ભાગીદારી દસ્તાવેજ બનાવેલ. જેમાં કુલ ૧૨ ભાગીદારગો હતા. તમામ પાસેથી રોકડ સ્વરૂપે મુડી લઈ ઉપલેટા રોડ ઉપર જમીન ખરીદી કરી તેમા બાંધકામ શરૂ કરેલ હતું.

ભાગીદારી પેઢીનું મુખ્ય સ્થળ યુનિક સ્કૂલ ઓફ સાયન્સ - સ્ટેશન પ્લોટ ધોરાજી નક્કી કરવામાં આવેલ અને અમોને જે વચનો વિસ્વાસ આપેલ પરંતુ ઉપરોકત ૪ શખ્સોએ મોટાપાયે ગેરરીતિ આચરી હોવાનું અમોને જાણવા મળ્યુ છે.

દિપકુમાર ગોવિંદભાઈ મોરીએ ફરીયાદમાં આક્ષેપ કરેલ કે ગેરકાયદેસરનું બાંધકામ પણ તેવોએ કરેલ છે જે તોડી પાડવા માટે ગુજરાતની વડી અદાલતે પણ હુકમ ફરમાવેલ છે. આમ તથા અમારી જાણ પ્રમાણે શાળાની મંજુરી માટે કાયદેસરની રજા ચીઠ્ઠી અને કમ્પ્લીશન સર્ટીફીકેટ એટલે કે બિલ્ડીંગ યુસેઝ પરમીશન રજુ કરવી આદેશાત્મક જોગવાઈ છે તે પણ બનાવટી રજુ કરી અને જીલ્લા શિક્ષણ અધિકારીના સરકારી અધિકારીઓ સાથે મળી અને મોટાપાયે કૌભાંડ આચરતા હોય એવો ફરીયાદીએ ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો. તેમજ સરકારી શાળાના ડમી વિદ્યાર્થીઓને પણ અહી સાચવવામાં આવે છે. આ બધાથી વધારે મોટી રકમ એટલે કે દરેક ભાગીદારના રૂ. ૩૦ લાખ જેવી મોટી રકમ ચોપડે જમા લેવામાં આવી નથી અને અમોને રોકાણ કર્યા પછી વળતરની રકમ પણ આજ દિન સુધી ચુકવેલ નથી.

સરકારી વહીવટ તંત્રમાં બનાવટી દસ્તાવેજો રજુ કરી અને સરકારી ઓડીટ દરમ્યાન પણ ખોટા હિસાબો આપી આ નાણા પોતાના અંગત હિતમાં વાપરી અને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯/૪૭૭ મુજબ ગુન્હો આચરેલ છે.

તેમજ ઉપલેટા રોડ ઉપર આવેલ યુનિક સ્કૂલના બીજા યુનિટમાંથી તમામ માલસામાન ફર્નિચર વગેરે ઉપાડી કયાંક લઈ ગયેલ છે અને વહેંચી નાખેલ હોય તેવુ અમોને લાગે છે.

અંતમાં ફરીયાદી દિપકુમાર મોરીએ જણાવેલ કે ધોરાજી યુનિક સ્કૂલના ૪ શખ્સો એક સંપ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો આર્થિક લાભ લેવા માટે ખરા તરીકે સરકારી તંત્રમાં ઉપયોગ કરેલ હોય તેના ગેરકાયદેસર રીતે હિસાબી ચોપડા બનાવી ઓડીટ દરમ્યાન તેનો ઉપયોગ કરી અંગત હિતમાં રકમ વાપરી નાખેલ હોય જેથી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૭૭, ૪૦૯, ૧૨૦-બી ૩૪ મુજબ ગુન્હો આચરેલ હોય જેની તપાસ કરી સખ્ત નશ્યત પહોંચાડવા માગણી કરેલ છે.

આ બાબતે સ્ટેશન પ્લોટના બીટ જમાદાર ભીમભાઈ ગંભીર એ જણાવેલ કે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દિપકુમાર ગોવિંદભાઈ મોરીએ લેખીતમાં ફરીયાદ અરજી આપેલ છે. જે અંગે અમોએ અરજીના કામે તપાસ હાથ ધરી છે અને કરેલ આક્ષેપો મુજબ પુરાવા મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

(2:33 pm IST)