સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

ખંભાળીયા ટ્રાફીક શાખાના પોલીસ કર્મી વિરૂધ્ધ એસીબીએ ગુનો નોંધતા ખળભળાટ

અરવિંદ નકુમ નામના હેડ કોન્સ્ટેબલે પોરબંદર ફાટક પાસે ફરીયાદીની ટ્રક ડીટેઇન કરવાની ધમકી આપી એક ટ્રકના ૬૦૦ રૂપીયાની લાંચ માંગી હોવાનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો જેના ઉપરથી ફરીયાદ નોંધાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૩: ખંભાળીયા ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અરવિંદ લાલજીભાઇ નકુમ વિરૂધ્ધ ટ્રક ડીટેઇન કરવાની ધમકી આપી ટ્રક દીઠ રૂ. ૬૦૦ની લાંચ લેતા હોવાનો વિડીયો ફરીયાદી દ્વારા ઉતારવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલાના આ વિડીયોની પુષ્ટીના આધારે પોલીસ કર્મી વિરૂધ્ધ એસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજથી ત્રણેક વર્ષ પહેલા ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા અરવિંદ લાલજી નકુમ નામના હેડ કોન્સ્ટેબલે પોરબંદર રોડ પર આવેલા ફાટક પાસે ટ્રક ચાલક વનરાજ સામતભાઇ કેશવાલા તથા નાથાભાઇ ઉર્ફે રાણાભાઇ આતીયાભાઇ કેશવાલાની ટ્રકોને રોકીને કાગળો માંગ્યા હતા અને ટ્રક ડીટેઇન કરવાની ધમકી આપી એક ટ્રક દીઠ રૂ. ૬૦૦ની માંગણી કરી હતી.

 જે અંગેનો વિડીયો ટ્રક ડ્રાઇવરે ઉતારી એસીબીને મોકલી આપ્યો હતો. જે બાદ વિડીયોની પુષ્ટી કરી પોરબંદર  એસીબીના ઇન્ચાર્જ પીઆઇ વી.આર.પટેલે ફરીયાદ બની લાંચીયા પોલીસ કર્મી અરવિંદ નકુમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:21 pm IST)