સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

વાંકાનેરમાં ર દિ'માં ૩૦ના મોતથી હાહાકાર

પાલીકાના પૂર્વ કારોબારી ચેરમેન-જીલ્લા ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઇન્દુભા), પીઢ તબીબ બાટવીયાનો પણ ભોગ લેવાયો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૩: વાંકાનેરમાં છેલ્લા બે દિવસમાં મહામારીથી ૩૦ના મોત થતા હાહાકાર મચી ગયો છે. આજે સવારે વધુ ૪ ના મોત સાથે બે દિવસમાં ૩૦ના મૃત્યુ આંકથી ચિંતા પ્રસરી છે.

વાંકાનેરમાં ઋતુજન્ય રોગચાળો સતત બિહામણા સ્વરૂપે યથાવત જોવા મળી રહ્યો છે. કોવિડ-નોન કોવિડ સ્વરૂપે વાંકાનેરમાં સ્મશાનગૃહો અને કબ્રસ્તાનમાં થયેલી અંતિમવિધીના આંકડાઓ અનુસાર ગઇકાલે  ૧૩ અને આગલા દિવસે ૧૩ મળી ને બે દિ' માં મૃતાંક ૩૦ થયો છે.

વાંકાનેર પાલીકાના મોટાભાગના કર્મચારીઓ માંદગીને કારણે ખાટલાવસ છે. પાણી પુરવઠાની સપ્લાઇ માત્ર એક માણસથી ચાલી રહી છે. સફાઇ કામદારો મોટાભાગના બિમાર છે. નગરપાલીકાના માજી કારોબારી ચેરમેન અને જીલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઇન્દુભા) ગુરૂવારે કોરોના પોઝીટીવ બાદ મૃત્યુ પામ્યા છે. ગુરૂવારે જ વાંકાનેરના પીઢ ડોકટર બાટવીયાનું પણ અવસાન થયેલ છે.

હાલના પાલીકાના મુખ્ય અધિકારી (ઇન્ચાર્જ) સુરૈયા બિમારીના કારણે પથારીવશ હોઇ, જેનો વાંકાનેર ન.પા.નો તમામ ચાર્જ અશોકભાઇ રાવલ સંભાળી રહ્યા છે.

મોરબી જીલ્લા કલેકટરના જાહેરનામા મુજબ વાંકાનેર વિસ્તારમાં વેપારીભાઇઓએ પોતાને કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. પરંતુ હાલ સ્વૈચ્છીક લોકડાઉન તથા પરિસ્થિતિીઓ જોતા લોકો આ આદેશનો અમલ કરી શકશે કે કેમ ? તે મોટો પ્રશ્ન છે.

વાંકાનેર પોલીસ દ્વારા માસ્ક વ્યવસ્થિત પહેર્યુ ન હોય તેવાઓને પણ ૧૦૦૦ રૂ.ના દંડની કાર્યવાહી અતિરેક રૂપે હોવાની લોકચર્ચાઓ થઇ રહી છે.

(10:57 am IST)