સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

આર્થિક ભીંસ દૂર કરવા ફારૂક અને વસીમે જીરૂ ભરેલ ટ્રકની લૂંટ કરી'તી

જેતપુર પાસેથી લૂંટનો રૂરલ એલસીબી અને તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યોઃ પકડાયેલ બન્નેને રીમાન્ડ માટે આજે કોર્ટમાં રજુ કરાશે

 જેતપુર, તા. ૨૩ :. જેતપુર નજીક પોલીસની ઓળખ આપી જીરૂ ભરેલ ટ્રક લૂંટી લેવાતા બનાવનો રૂરલ ક્રાઈમ બ્રાંચ તથા જેતપુર તાલુકા પોલીસે ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલી નાંખી બે શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલ બન્ને શખ્સોએ આર્થીક ભીંસ દૂર કરવા લૂંટ કર્યાનું ખુલ્યુ હતું.

જેતપુર પાસેથી લૂંટનો ભેદ ઉકેલવાની જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સૂચના મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. જે.એમ. ચાવડા સ્ટાફ સાથે તથા જેતપુર તાલુકા પો. સ્ટે.ના પો. સબ ઈન્સ. એચ.એ. જાડેજા સ્ટાફ સાથે આ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ. મહિપાલસિંહ પી. જાડેજાનાઓને ખાનગી બાતમી રાહે સચોટ હકીકત મળેલ કે, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસેથી જીરૂ ભરેલ ટ્રકની લૂંટ થયેલ તે જીરૂ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઈ અબ્દુલભાઈ સુમરાની વાડીએ ફારૂકભાઈ અબ્દુલભાઈ સુમરા તથા વસીમભાઈ સલીમભાઈ સુમરા રહે. આંબલીયા ગામ તા. જૂનાગઢ તથા ઈમરાનભાઈ જુસબભાઈ ખફી રહે. મસીતીયા તા. જામનગરવાળાઓ લૂંટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરે છે જે હકીકત આધારે એલસીબી ઈન્ચાર્જ પો.ઈન્સ. જે.એમ. ચાવડા તથા જેતપુર તાલુકા પો. સ્ટે.ના પો. સબ. ઈન્સ. એચ.એ. જાડેજા સ્ટાફ સાથે ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઈ અબ્દુલભાઈ સુમરાની વાડીએ તપાસ કરતા આરોપીઓ વસીમભાઈ સલીમભાઈ સુમરા રહે. આંબલીયા ગામ તા. જૂનાગઢ તથા ઈમરાનભાઈ જુસબભાઈ ખફી રહે. મસીતીયા તા. જામનગર વાળાઓ લૂંટેલ જીરૂના બાચકાઓ તથા બોરીઓમાં ભરેલ અંદાજીત જીરૂ ૧૧,૭૦૦ કિલો કિં. રૂ. ૧૪,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ પકડી પાડેલ છે અને બાકીના આરોપીઓ પકડી પાડવા તપાસ તજવીજ ચાલુ છે.

તપાસનીશ અધિકારી જેતપુર તાલુકાના પી.એસ.આઈ. આર.એચ. જાડેજાએ જણાવ્યુ હતુ કે, પકડાયેલ બન્ને આરોપીઓ મજુરી કામ કરે છે અને આર્થિક ભીંસ દૂર કરવા અન્ય સાગ્રીતો સાથે મળી લૂંટનો પ્લાન કર્યો હતો. પકડાયેલ ફારૂક અને વસીમને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે. લૂંટમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.(૨-૧૦)

(1:26 pm IST)