સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd April 2018

અધિકારી- પદાધિકારીને સંકલન સાધી જળ અભિયાનના કાર્યને વેગ આપવા મંત્રી રાદડીયાનો અનુરોધ

જળ અભિયાનના સુચારૂ આયોજન અને સફળ અમલીકરણ અર્થે મંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પોરબંદર તા. ર૩ : રાજયમાં આગામી તા. ૧ લી.મે થી સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરાનાર છે. જે અન્વયે પોરબંદર જિલ્લામાં હાથ ધરાનાર જળ અભિયાનના સુચારૂ આયોજન અને સફળ અમલીકરણ અર્થે મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી - પદાધિકારીઓને પરસ્પરના સંકલન સાથે પોરબંદર જિલ્લામાં હાથ ધરાનાર જળસંચયના કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં આગામી તા.૧લી.મે થી હાથ ધરાનાર જળ અભિયાન અંતર્ગત તળાવ-ચેકડેમ ઉંડા ઉતારવાની સાથે નદી તેમજ પાણીના અન્ય સ્ત્રોતની સફાઇ સહિતની જળસંચયની વિવિધ પ્રવૃત્તિઓ લોકસહ્યોગ થકી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકો જોડાય અનેસ્વૈચ્છીક-સેવાભાવી સંસ્થાઓની સાથે જળસંચયના આ કાર્યમાં દાતાઓનો પણ સહયોગ મળે તે જરૂરી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,જિલ્લામાં આ જળ અભિયાનને સફળ બનાવવા અધિકારી-પદાધિકારીઓની સક્રિયતાની સાથે આ કામગીરી લોકઝૂંબેશ સ્વરૂપે હાથ ધરાય તે જરૂરી છે. આ માટે આ અભિયાનની સાથે પ્રત્યેક વ્યકિત જોડાય તેવું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરવા તેમણે આ તકે અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેકટર અજય દહિયાએ પોરબંદર જિલ્લામાં સજુલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત હાથ ધરાનાર કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકસહ્યોગ થકી પોરબંદર જિલ્લામાં તળાવો-ચેકડેમો ઉંડા ઉતારવા, નદી તેમજ પાણીના વોકળાની સફાઇની કામગીરી હાથ ધરાશે. જેની માટી ખેડુતો લઇ જઇ શકશે. દરેક વિભાગ આ કામગીરીમાં જોડાશે દરેક વિભાગ આ કામગીરીમાં જોડાશે. જેમાં પોરબંદર જિલ્લાના ર૮ તળવાોને ઉંડા કરવાની કામગીરી ૩૪ તળાવોને ઉંડા કરવાની કામગીરી મનરેગા અંતર્ગત તેમજ ૩ર ચેકડેમો ફોરેસ્ટ વિભાગ દ્વરા ઉંડા કરવા તથા ડીસીલ્ડીંગની કામગીરી હાથ ધરાશે.

આ બેઠકમાં પ્રભારી સચિવ પંકજ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, નિવાસી અધિક કલેટર એમ.એચ.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, સિંચાઇ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સામાજીક સ્વૈચ્વછીક સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.(૬.પ)

(9:45 am IST)