સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd March 2023

જસદણના સાણથલીમા એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવતી ‘૧૦૮ ઈમરજન્‍સી સેવા'

સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ૮૩૦ પ્રસુતાઓ સહિત અત્‍યાર સુધીમાં કુલ ૧,૨૭,૭૮૪ પ્રસુતાઓની એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળ પ્રસુતિઃ રાજકોટ જિલ્લામાં ફેબ્રઆરી માસમાં ૪૦ પ્રસુતા સહિત અત્‍યાર સુધીમાં ૬,૬૭૯ પ્રસુતાઓની ઈ.એમ. ટી. દ્વારા એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળ પ્રસુતિ

(જીતેન્‍દ્ર આચાર્ય-ધર્મેશ કલ્‍યાણી દ્વારા) ગોંડલ-જસદણ, તા.૨૩: ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામની પ્રસુતાને એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો અમૂલ્‍ય જીવ ‘૧૦૮ ઈમરજન્‍સી સેવા'એ બચાવ્‍યો હતો.

આ પ્રસવ કેઈસ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા  સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્‍યું હતું કે, રાજકોટના ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામે ખેતમજૂરી કામ અર્થે આવેલા ૨૫ વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતાં જસદણ તાલુકાના સાણથલીનાં સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. ૪ કલાક જેવી જહેમતનાં અંતે પ્રસુતિ મુશ્‍કેલ જણાતાં જસદણની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ ખાતે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા લઈ જવાનું નક્કી કરાયુ.

સમયબદ્ધ એવી જસદણ ૧૦૮ની ટીમ કોલ મળતાંની સાથે જ ઈ.એમ ટી. ઈન્‍દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડ ગણતરીની મિનિટોમાં જ સાણથલી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે પહોંચી ગયા હતા. ઈ.એમ ટી. ઈન્‍દ્રજીતભાઈએ પ્રસુતાની તપાસ કરતાં જણાયું કે પ્રસુતિ સત્‍વરે ન થાય તો જીવનું જોખમ વધી શકે તેમ હોવાથી, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ રસ્‍તાની સાઈડમાં જ ઉભી રાખી હેડ ઓફિસનાં ડો. મહેતા મેડમ અને ડો. જે. ડી. પટેલની ટેલીફોનીક મદદ મેળવી એમ્‍બ્‍યુલન્‍સમાં જ સમયસૂચકતા સાથે સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્‍ય સારવાર આપી માતા અને નવજાત શિશુનો અમૂલ્‍ય જીવ બચાવ્‍યો હતો.

પ્રસુતિ બાદ વધુ સારવાર અર્થે આ મહિલાને સબ ડિસ્‍ટ્રિક્‍ટ સિવિલ હોસ્‍પિટલ જસદણ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં હાજર તબીબોએ મહિલા અને બાળકને બાકીની જરૂરી સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્‍વસ્‍થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર ૧૦૮ના સ્‍ટાફે એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો અમૂલ્‍ય જીવ બચાવતી જીવાદોરી સમાન ૧૦૮ ટીમની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્‍યકત કર્યો હતો.

ગુજરાતમાં બાળ મળત્‍યુદર ધટાડવામાં ૧૦૮ની સેવા મહત્‍વની સાબિત થઈ છે ત્‍યારે ૧૦૮માં આવતાં પ્રસવ કેઈસ વિશે વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્‍યું હતું કે, ૧૦૮ સેવામાં આવતાં કેઇસ પૈકી સૌથી વધુ કેઇસ ગર્ભાવસ્‍થાને લગતા આવતા હોય છે. જેમાં જરૂર પડ્‍યે એમ્‍બ્‍યુલન્‍સમાં જ પ્રસુતિ કરાવવામાં આવતી હોય છે. સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી માસમાં ૮૩૦ પ્રસુતાઓ સહિત અત્‍યાર સુધીમાં કુલ ૧,૨૭,૭૮૪ પ્રસુતાઓની સફળ પ્રસુતિ એમ્‍બ્‍યુલન્‍સમાં જ કરાવવામાં આવી છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં ૧૦૮નાં ઈ.એમ.ટી. દ્વારા ફેબ્રુઆરી માસમાં ૪૦ પ્રસુતા સહિત અત્‍યાર સુધીમાં ૬,૬૭૯ પ્રસુતાઓની એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનું અમૂલ્‍ય જીવન બચાવવામાં આવ્‍યું છે.

(9:54 am IST)