સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

હવે ગરમીમાં વધારોઃ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડયો

શિયાળાના વિદાયની ગણાતી ઘડીઓઃ બપોરના સમયે ધોમધખતા તાપથી ઉનાળા જેવો માહોલ

રાજકોટ, તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં હવે ઉનાળાનો પ્રારંભ થતો હોય તેવો માહોલ છવાયો છે. અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગતા ગરમીની અસર વધવા લાગી છે.

લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડતા શિયાળાના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટ સાથે ઉનાળા જેવો માહોલ જામ્યો છે.

ગઇકાલે અમદાવાદમાં ૩૪.૯ ડિગ્રી મહતમ તાપમાન, ડિસા ૩૫.૮, વડોદરા ૩૫.૭, સૂરત અને રાજકોટમાં ૩૬, કેશોદ ૩૫.૪, ભાવનગર ૩૪.૩, પોરબંદર ૩૫.૪, વેરાવળ ૩૪.૮, દ્વારકા ૩૨.૩, ઓખા ૨૮.૧, ભુજ ૩૫.૮, નલીયા ૩૫.૪, સુરેન્દ્રનગર ૩૬.૦, ન્યુ કંડલા ૩૪.૬, કંડલા એરપોર્ટ ૩૪.૪, અમરેલી ૩૫.૪, ગાંધીનગર ૩૫.૦, મહુવા ૩૫.૬, દિવ ૩૩.૭, વલસાડ ૩૪.૫ અને વલ્લભવિદ્યાનગરમાં ૩૫.૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો નોંધાયો છે જો કે હવે આ ગતિ વધશે અને ગરમી અનુભવાશે કારણ કે, શિયાળાની મોસમ પૂરી થતા ઉનાળો શરૂ થઇ રહયો છે.

અનેક જગ્યાએ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્શિયસ સુધી વધી જતા બપોરના સમયે ઉનાળાનો આકરો તાપ હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. જોકે હવે આવું જ વાતાવરણ રહેશે. બે દિવસમાં પશ્ચિમી અથવા ઉત્તર પશ્ચિમી હવાઓ શરૂ થઇ જશે. પવનની ગતિ ૧૦ થી ૧૨ કિ.મી.પ્રતિ કલાક રહેશે. ૨૩ અને ૨૪ તારીખે ઝાકળ આવે તેવી પૂરી શકયતા છે. તાપમાનનો પારો પણ વધતો જશે. દિવસ દરમિયાન મહતમ તાપમાન ૩૫ ડિગ્રી કે તેથી વધુ રહેશે જયારે ન્યુનતમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્શિયસ કે તેથી વધુ રહેશે. આ સ્થિતિ ૪ માર્ચ સુધી યથાવત રહેશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર શહેરનું મહતમ તાપમાન ૩૩.૫ ડિગ્રી, લઘુતમ ૧૭.૫, હવામાં ભેજ ૬ ટકા અને પવનની ઝડપ ૩.૬ કિ.મી.પ્રીત કલાક રહી હતી.

(12:02 pm IST)