સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જામનગર-ભાવનગર કોર્પોરેશનમાં ભાજપનો ભગવો

ભાજપ શાસનનું પુનરાવર્તનઃ જામનગરમાં રાત્રે ભાજપ દ્વારા વિજય-આભાર સભાઃ બસપાને ૩ બેઠક મળીઃ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડયોઃ જામનગરના પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવાના પુત્રનો વિજયઃ કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા)નો પરાજય

પ્રથમ તસ્વીરમાં જામનગરના વિજેતા ઉમેદવારો અને બીજી તસ્વીરમાં ભાવનગરના વિજેતા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર, કિંજલ કારસરીયા-જામનગર)

(મુકંુદ બદિયાણી-મેઘના વિપુલ હિરાણી દ્વારા) જામનગર-ભાવનગર, તા. ર૩ :. જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવારોનો અનેક વોર્ડમાં જ્વલંત વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને પરાજય સહન કરવો પડયો છે. રવિવારે જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી. જેની આજે મંગળવારે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને પ્રારંભે જામનગર અને ભાવનગર બંને કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને વિજય મેળવતા ગયા હતા.

જામનગર કોર્પોરેશની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેમતદાન થયા બાદ ઇવીએમ મશીનને સીલ કરી દેવામાં આવ્યા હતા. અને સવારે ઇવીએમ મશીનો ખુલ્યા હતા. અને મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

પ્રારંભે વોર્ડનં. પ માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. જેમાં શ્રીમતી બીનાબેન અશોકભાઇ કોઠારી, શ્રીમતી સરોજબેન જયંતીભાઇ વિરાણી, કિશનભાઇ હમીરભાઇ માડમ અને આશીષભાઇ જોષીનો વિજય થયો છે.

આ લખાય છે ત્યારે બપોરે ૨.૩૦ વાગ્યે જામનગરની ૬૪માંથી ૫૨ બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમા ભાજપનો ૫૧ બેઠકો પર તથા કોંગ્રેસનો ૬ બેઠકો ઉપર વિજય થયો છે. જ્યારે ૩ બેઠકો ઉપર બસપાના ઉમેદવારો વિજેતા થયા છે. હવે ૪ વોર્ડનું પરિણામ બાકી છે. જામનગરના વોર્ડ નં. ૩ અને ૧૬માં પણ ભાજપની પેનલ જીતી ગઈ છે.

જામનગર વોર્ડ નં. ૨માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા)નો પરાજય થયો છે. વોર્ડ નં. ૧૫માં ભાજપના ૩ ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આનંદ રાઠોડ પણ આ બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે.

જામનગરના વોર્ડ નં. ૧૦માં ભાજપના પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાનો વિજય થયો છે.

જામનગરમા રાત્રે ભાજપ દ્વારા વિજય આભાર સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપ શાસનનું જામનગર અને ભાવનગરમાં પુનરાવર્તન થયુ છે.

ભાવનગરમાં ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં બપોર સુધીમાં ૩૬ બેઠકોની મત ગણતરી પુરી થઈ છે. જેમાં ભાજપનો ૩૧ બેઠકો પર અને કોંગ્રેસનો ૫ બેઠકો પર વિજય થયો છે.   

ભાવનગરમાં  વોર્ડ નં. ૭ માં ભાવેશ એમ.મોદી, ભરતભાઇ એમ.બારડ, ભાવનાબેન બી.દવે અને હીરાબેન એચ.વિંઝુડાની ભાજપની પેનલનો વિજય થયો છે.

વોર્ડ નં. ૧માં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે જ્યારે વોર્ડ નં. ૨, ૩, ૪, ૭, ૮, ૧૧ અને ૧૨માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. વોર્ડ નં. ૫માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

(4:01 pm IST)