સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd February 2020

ભરૂડીના કોલ્ડ સ્ટોરેજમા જનતા રેડઃ રપ ટ્રક જેટલો અખાદ્ય ગોળ ઝડપાયો

ભરૂડી પાસે કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય ગોળના જથ્થાને કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ખેડૂતોએ ઝડપ્યો

ગોંડલઃ  ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ગામ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજમા કોડીનાર, સુત્રાપાડા અને ઉનાના ખેડૂતોએ અખાદ્ય ગોળના જથ્થાને લઇ જનતા રેડ કરતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી. અને એફએસએલ વિભાગને તપાસ માટે બોલાવ્યા હતા.

ભરૂડી ટોલનાકા પાસે અક્ષયરાજ હોટલની પાછળ આવેલ હિમાલય કોલ્ડ સ્ટોરેજમા ઉતરપ્રદેશથી આવેલ અખાદ્ય ગોળના જથ્થાને  સ્ટોરેજ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે બાલુભાઇ ગોહિલ (ગોળ એસોસિએશન પ્રમુખ-કોડીનાર), પીવી. રાઠોડ (નિવૃત્ત પ્રિન્સીપાલ કોલેજ) હરીભાઇ રાઠોડ, રામસીંગભાઇ અને રાજેશભાઇ મહેતા સહીતનાઓએ ખેડૂતોને સાથે રાખી  જનતા રેડ કરી હતી.  કોલ્ડ સ્ટોરેજમા સોથી પણ વધુ ટ્રક ભરાય તેટલો ગોળનો જથ્થો હોય અને રપ  ટ્રક જેટલો ગોળ અખાદ્ય હોવાની ખેડુતોને શંકા જતા  તાલુકા પોલીસ દ્વારા  એફએસએલની ટીમને જાણ કરાઇ હતી. ઉપરોકત અખાદ્ય ગોળ ૭પ લાખની કીંમતનો અને હીમાલય કોલ્ડ સ્ટોરેજ તાલાળા ધાવાગીરના વિવેકભાઇ પટેલનો હોવાનુ જણાવ્યુ હતુ. ગોળ ખાદ્ય છે કે અખાદ્ય તે એફએસએલના રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેમ તાલુકા પી.એસ.આઇ. અજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

(2:04 pm IST)