સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ધારીમાં સિંહે ભેંસ પર હુમલો કરતા માલિકે સાવજ સાથે જીવ સટોસટની બાજી લગાવી

ઉશ્કેરાયેલા સિંહે માલિક પર જીવલેણ હુમલો કર્યો : દેકારો થતા સિંહ પણ ભાગી ગયો

અમરેલીના ધારીમાં સિંહે ભેંસ પર હુમલો કર્યો હતો જે જોઈને માલિકે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા સિંહે માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવને લઈ આસપાસના લોકોને જાણ થતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત માલિને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે માહિતી મળતા વન વિભાગે પણ તપાસ આદરી છે અને હુમલો કરી ભાગેલા સિંહની શોધખોળ હાથ ધરી હતી

 ધારીમાં આવેલ દહીડા વિસ્તારમાં એક સિંહ વહેલી સવારે આવી પહોંચ્યો હતો અને વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કર્યો હતો. . ભેંસો પર સિંહ ત્રાટકતા જોરુભાઇએ સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિંહે જોરુભાઇ પર હુમલો કર્યો હતો. જો કે બુમાબુમ થતા આસપાસનાં રહીશો અને જોરુભાઇના નાના ભાઇ પણ આવી પહોંચ્યા હતા. દેકારો થતા સિંહ પણ ભાગી ગયો હતો.

આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં શિકારની શોધમાં આવેલા સિંહ પશુ પર હુમલો કરે ત્યારે તેના માલિકો તેને બચાવવા માટે આડા પડે છે અને તેના કારણે સિંહો પણ સ્વબચાવમાં તે વ્યક્તિ પર હુમલો કરે છે. જો કે તેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે

(12:32 am IST)