સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

મોરબી જીલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસકાર્યોની સમીક્ષા માટે બેઠક યોજાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટને ૧ કરોડ ,વાકાંનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ સંસ્થાને ૨ કરોડ અને ખોડીયાર માતાજી મંદીર, માટેલને ૫૦ લાખ રૂપિયા ફાળવાયા છે તેના ટેન્ડર અપલોડ કરાશે

મોરબી જિલ્લામાં પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મોરબી જિલ્લામાં આવેલા મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ માટેની કામગીરી અંગે પ્રવાસન વિભાગ અને નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ આ બેઠકમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ માટે કામોને અગ્રતા આપીને તેના કામોનું આયોજન ઘડી કાઢવા માટે ચર્ચા હાથ ધરાઇ હતી. બેઠકના પ્રારંભે અધિક નિવાસી કલેક્ટર કેતન પી. જોષીએ ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટને ૧ કરોડ રૂપિયા, વાકાંનેર મધ્યે શ્રી સ્વયંભૂ જડેશ્વર મહાદેવ સંસ્થાને ૨ કરોડ રૂપિયા અને ખોડીયાર માતાજી મંદીર, માટેલને ૫૦ લાખ રૂપિયા ફાળવવામાં આવેલ હોય જેની ટેક્નીકલ મંજૂરી મળી ગઇ હોય કામોના ટેન્ડર અપલોડ કરવા અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ ટંકારા મધ્યે ફાળવાયેલા કામોને ઝડપથી હાથ પર લઇને કામો પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજાએ વવાણીયા, મચ્છુ-૩ અને મૌલાઇ રાજાની દરગાહ સહિતના અન્ય સ્થાનોને પ્રવાસન સ્થળ જાહેર કરવા રજૂઆત કરી હતી. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આબેઠકમાં સંબંધીત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.

(1:03 am IST)