લીંબડીમાં મકાનમાંથી કંઇ ન મળ્યુ તો બાજુવાળાનું બાઇક ઉઠાવી ગયા...
એકજ સ્થળે ત્રીજીવાર તસ્કરો ત્રાટકયા
વઢવાણ તા.ર૩ : લીંબડી શહેરમાં ગુલાબી ઠંડી જેમ જેમ વધી રહી છે તેમ તેમ તસ્કરોની હિમત પણ વધી રહી હોય તેવુ લાગી રહ્યું છે લીંબડી નેશનલ હાઇવેની બાજુમાં આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં અશ્વિનભાઇ સોમનાથભાઇ રાવલના બંધ મકાનમાં તસ્કરો ત્રાકટયા હતા.
આ મકાનની લોખંડની જાળી વાળો મુખ્ય દરવાજો લોક તોડી ઘરમા દાખલ થઇને બન્ને રૂમના દરવાજા તાળા તોડી નકુચા કાપીને ઘરની તિજોરી અને કબાટ ફંફોળ્યા હતા પરંતુ પરચુરણ સિકકા સીવાય કશું હાથમાં આવ્યું ન હતું આથી તસ્કરોએ ખાલી હાથે મકાનમાંથી પાછા ફરવાનો વારો આવ્યો હતો પરંતુ બહાર નીકળીને બાજુના મકાનમાં રહેતા સિધવ પ્રભાતસિંહનું પાર્ક કરેલું મોટર સાયકલ ઉઠાવી ગયા હતા આ બનાવની સવારમાં રહીશોને જાણ થતા મકાનના માલીક અશ્વિનભાઇ અને તેમના પત્ની તાત્કાલીક દોડી આવ્યા હતા આ અંગે અશ્વિનભાઇ રાવલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમના ઘરે આ ત્રીજીવાર ચોરીનો પ્રયાસ થયો છે. એટલા માટે અમે ઘરમાં કશુ રાખતા નથી આ ઘટનાની જાણ થતા પી.એસ.આઇ. પી.એમ.જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.