સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd January 2018

ગારીયાધારમાં બાઈક અથડાતા માથાકુટઃ રાજકીય અગ્રણી ગુસ્સે, રિવોલ્વર કાઢી હવામાં કર્યા ત્રણ રાઉન્ડ ફાયરીંગ

પાલિતાણાના ગોપાલ વાઘેલા વિરૂદ્ધ ગુન્હો, ગાંધીચોકમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ'તી

ગારીયાધાર-ભાવનગર, તા. ૨૩ :. અહીંયા ગઈકાલે સાંજે બે બાઈકો સામસામે આવી જવાના મામલે સ્થાનિક વેપારીઓના પુત્ર અને પાલીતાણાના રાજકીય આગેવાન વચ્ચે ઝપાઝપી બોલી જતા નેતાએ સરાજાહેર ૩ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા થોડીવાર વાતાવરણ તંગદિલી ભર્યુ બની જવા પામ્યું હતું.

વિગત અનુસાર ગારીયાધાર ખાતે ગાંધીચોક વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા રામજીભાઈ ઠક્કરનો પુત્ર લખનભાઈ પોતાના મોટરસાયકલ ઉપર દુકાને આવી રહ્યો હતો ત્યારે સામેથી બીજા મોટર સાયકલ ઉપર યુવાન અને મહિલા સામે આવી જતા બન્ને વાહનો સામસામે થઈ જતા બોલાચાલી થઈ હતી. જે અંગેનો ખાર રાખી મહિલાના સગા પાલિતાણાના રાજકીય આગેવાન ગોપાલભાઈ વાઘેલા આવી જતા તેમણે ઓચિંતા ધસી આવી વેપારીને અપશબ્દો બોલી પોતાની રિવોલ્વરમાંથી ૩ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા જ ભયના માર્યા તમામ વેપારીઓએ ગાંધીચોક વિસ્તારની દુકાનો બંધ કરી દીધી હતી. જાણ થતા જ પી.એસ.આઈ. શ્રી ઓસુરા અને સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ પ્રાથમિક તબક્કે સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેના વસંતભાઈ ગોપાણી, રાજેશભાઈ જીવરાજાણી, કે.ડી. પરમાર અને મનિષભાઈ કળીવાળા સહિતના દોડી આવ્યા હતા.

દરમિયાન વધુમાં જાણવા મળ્યાનુસાર મોડી રાત્રે ગોપાલ વાઘેલા વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાતા તપાસ આગળ ધપી રહી છે.

(11:35 am IST)