સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd January 2018

સાર્ધ શતાબ્દી મહોત્સવ

હું રાષ્ટ્રપતિ બન્યો તેમાં અક્ષર દેરીનું પણ યોગદાન હશેઃ કોવિંદજી

અક્ષર દેરી લોકાર્પણ મહોત્સવમાં પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દર્શન કરી ભાવવિભોર થયાઃ રાષ્ટ્રપતિશ્રીનું ભવ્ય ભાતીગળ સ્વાગતઃ મુખ્યસભામાં નૃત્ય, સંવાદ, પ્રવચન દ્વારા પ૦૦ થી વધુ બાળકો યુવાનોની અક્ષર દેરીનો મહિમા સમજાવતી અદ્દભુત પ્રસ્તુતીઃ હજુ આગામી ૭ દિવસ સુધી એટલે કે તા.૩૦ જાન્યુ.સુધી ચાલુ રહેશે આ મહોત્સવ

અક્ષર દેરીનો દિવ્ય ધર્મોત્સવઃ ગોંડલના વિશ્વ પ્રસિધ્ધ સ્વામીનારાયણ મંદિર ખાતે ચમત્કારી અક્ષર દેરીના નવ નિર્માણ બાદ લોકાર્પણ પ્રસંગે ભવ્ય-દિવ્ય ધર્મોત્સવ યોજાયો છે. ગઇકાલે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, રાજયપાલશ્રી ઓ.પી.કોહલીજી ત્થા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ ધર્મલાભ લીધો હતો. તે પ્રસંગની તસ્વીરોમાં અક્ષર દેરીના દિવ્ય દર્શન કરી રહેલા રાષ્ટ્રપતિજી ત્થા અન્ય તસ્વીરોમાં આ ભવ્ય મહોત્સવની યાદગીરીરૂપે બહાર પાડવામાં આવેલ ટપાલ ટીકીટનું વિમોચન કરી રહેલા રાષ્ટ્રપતિજી, રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ પૂ.મહંતસ્વામી વગેરે દર્શાય છે ત્થા પૂ.મહંતસ્વામીએ કળશ દ્વારા રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યુ હતુ તે દર્શાય છે. આ તકે સંતોએ શ્લોક પઠનથી વાતાવરણ દિવ્ય બનાવ્યુ હતુ તે નજરે પડે છે. રાજયપાલશ્રીને આવકારતા મહંતસ્વામીજી દર્શાય છે. નીચેની તસ્વીરોમાં અનુક્રમે સ્વામીનારાયણ મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિજી, રાજયપાલશ્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી પૂ.મહંતસવામી સાથે યાદગાર તસ્વીર પડાવી હતી તે નજરે પડે છે ત્થા બાજુની તસ્વીરમાં રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનું સ્વાગત કરી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કલેકટર ડો.વિક્રાંત પાંડે, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી ત્થા મેયર ડો.જૈમન ઉપાધ્યાય વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

ગોંડલ, તા. ૨૩ :. અહીં ખાતે આવેલ મહાનતિર્થ અક્ષરદેરીના નવનિર્માણ બાદ તેના લોકાર્પણનો ભવ્ય સમારોહ ગઈકાલે સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થયો હતો. જેમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મલાભ લીધો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદજીએ પ્રવચનમાં પ્રારંભે વસંતપંચમીના અભિનંદન આપ્યા હતા. તેઓએ જણાવેલ કે 'હું બિહારનો રાજ્યપાલ હતો ત્યારે અક્ષર દેરીની મુલાકાતે આવ્યો હતો. આ દેરીના આશિર્વાદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યો હોઈશ.

બી.એ.પી.એસ.એ સંસ્થા માનવતા માટે પ્રેરણાદાયી સેવાકાર્યો કરે છે. આ સંસ્થા પાસે સેવાભાવીઓની ફોજ છે.

ડો.  અબ્દુલ કલામ પણ પ્રમુખ સ્વામી પાસેથી ઘણુ શિખ્યા હતા. રાષ્ટ્રપતિએ પ્રવચનમાં ગાંધીજી સરદાર અને મોરારજી દેસાઈને યાદ કર્યા હતા.

તેઓએ જણાવ્યુ હતુ કે, 'સ્વામિનારાયણ મંદિરોમાં ખૂબ જ સ્વચ્છતા જોવા મળે છે. આવી સ્વચ્છતા અન્ય હિન્દુ મંદિરોમાં પણ હોવી જરૂરી છે. બી.એ.પી.એસ. પાસે ૧૦ લાખ અનુયાયીઓ છે. ફોજે સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. સ્વચ્છતાથી પવિત્રતા, નૈતિકતા, દિવ્યતાનો પ્રવેશ થાય છે.

સ્વામિનારાયણ સંસ્થા ચરિત્રનું નિર્માણ કરે છે. ઉપરાંત અનેક સેવા કાર્ય પણ કરે છે. અહીં 'વિશ્વ શાંતિ હવન' સંકલ્પ સિદ્ધ થાય એવી હું પ્રાર્થના કરૂ છું.

રાષ્ટ્રપતિજીનું આભાર દર્શન બી.એ.પી.એસ.ના અધ્યક્ષ પૂ. મહંત સ્વામીજીએ કર્યુ હતું.

ભગવાન સ્વામીનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસાદર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનારા ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષર દેરીના નામે વિશ્વ પ્રસિધ્ધ છે. ગુજરાત રાજયના રાજકોટ શહેરથી ૩પ કિ.મી.ના અંતરે આવેલ અક્ષર દેરીની સ્થાપનાને ૧પ૦ વર્ષ પુર્ણ થતા ઉજવાઇ રહેલા શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદજીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પુજય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં સંપન્ન થઇ.

૧૧ દિવસના ઉત્સવની મુખ્ય સભા વસંત પંચમીના પવિત્ર દિવસે રાખવામાં આવી કારણ કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનો વિશેષ મહિમા છે. ભગવાન સ્વામીનારાયણ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી આજના દિવસે જ લોકાર્પિત થઇ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત કવિ બ્રહ્માનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ પણ વસંતપંચમીએ હતો. બીએપીએસ સંસ્થાના સ્થાપક અને ભગવાન સ્વામીનારાયણ તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટય પણ વસંતપંચમીના દિવસે થયુ હતુ.

અક્ષરદેરી અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે. કેવળ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ નહી પણ અન્ય ધર્મોના લોકોને પણ અક્ષરદેરીની દિવ્યતા અને પવિત્રતા અહી ખેંચી લાવે છે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભાનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભકતો-ભાવિકો સવારથી જ પહોંચી ગયા હતા. અક્ષરદેરીએ અનેક લોકોનો અશાંતિનો રોગ ટાળીને શાંતિ પ્રદાન કરી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી અક્ષર દેરીની સેવા કરી હતી. અક્ષર દેરીના દર્શન માટે આવતા ભાવિકોની સંખ્યામાં સતત વધારો થતા પરમ પુજય પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર દેરીના નવિનીકરણનો શુભ સંકલ્પ કર્યો હતો. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુળ દેરીને યથાવત રાખીને પ્રમુખ સ્વામી મહારાજની ઇચ્છા મુજર અક્ષર દેરીના નવીનીકરણનું કાર્ય પુર્ણ થતા આજે સવારે અતિભવ્યતાથી તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ. આ નિમિતે આયોજીત મહાપુજામાં આર્શીવાદ આપતા પરમ પુજય મહંત સ્વામી મહારાજે જણાવ્યુ હતુ કે, આ અક્ષર દેરી સૌના મનોરથ પુર્ણ કરનારૂ મહાપ્રતાપી સ્થાન છે. અહીયા મહાપુજા, પ્રદક્ષિણા અને ધુન કરીને ભકતો જે કઇ પ્રાર્થના કરશે તે સર્વે સંકલ્પો અક્ષર દેરી સિદ્ધ કરશે. અહીયા આવનાર તમામને સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે.

ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદજી મહોત્સવની મુખ્યસભાનો લાભ લેવા માટે પધારતા સૌરાષ્ટ્રની ધરતીને છાજે એવુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શ્રી અક્ષર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર તથા વરિષ્ઠ સંત પૂ.ઇશ્વરચરણદાસ સ્વામીએ સંતો તથા મહાનુભાવો સાથે રાષ્ટ્રપતિશ્રીનું ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યુ. માનનીય રાષ્ટ્રપતિશ્રીએ પણ પ્રોટોકોલને એક બાજુ રાખી મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષરદેરી સુધી ચાલતા ચાલતા જવાનું પસંદ કર્યુ. મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષર દેરી સુધીના પથ પર નાના નાના બાળકોએ દેવદુતોના પરિવેશમાં નૃત્યના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીને વધાવ્યા. રાષ્ટ્રપતિશ્રીની સાથે ગુજરાત રાજયના રાજયપાલ માનનીય શ્રી ઓ.પી. કોહલી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને ગુરૂપદે બિરાજતા પરમ પુજય મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રપતિશ્રીને ભગવાનનો પ્રસાદીભુત હાર પહેરાવીને અક્ષરદેરીમાં આવકાર્યા. મહાનુભાવોએ અક્ષરદેરીમાં પધારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજનવિધિનો લાભ લીધો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા એ પુર્વે પણ અક્ષર દેરીના દર્શન માટે પધારી ચુકયા હતા. અક્ષર દેરીની પવિત્રતાથી રાષ્ટ્રપતિ પણ પ્રભાવિત થયા હતા.

દર્શન-પુજનનો લાભ લીધા બાદ સૌ મહાનુભાવો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં પધાર્યા. સ્વામીનારાયણનગરમાં આજે માનવ મહેરામણ હિલોળા લઇ રહ્યો હતો. જયાં નજર સંસ્થાની વેબસાઈટ અને આસ્થા સહિતની વિવિધ ટીવી ચેનલો પરથી ૧૫૫ કરતા વધુ દેશોના અનેક લોકોે આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ઘરે બેઠા લીધો હતો. બી.એ.પી.એસ. સંસ્થાનું માઈક્રો લેવલનું મેનેજમેન્ટ ઉડીને આંખે વળગતું હતું. મહોત્સવની આ મુખ્ય સભામાં દ્રવ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા અક્ષર દેરીના મહિમાની વાતો રજુ કરવામાં આવી. વિવિધ સંવાદોની રજૂઆત દ્વારા વર્ષો પહેલાના ઈતિહાસને બાળકો અને યુવાનોએ મંચ પર જીવંત કર્યો. નૃત્ય, સંવાદ અને પ્રવચનોની ગુંથાયેલી શૃંખલાની રજૂઆત એવી અદભૂત હતી કે લોકોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો. લગભગ ૫૦૦ કરતા પણ વધુ બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ નિહાળ્યા બાદ દરેકને પ્રતિતિ થઈ કે અક્ષરદેરી એ માત્ર વિમાન આકારની છત્રી જેવું સમાન્ય સ્મારક નથી પરંતુ આધ્યાત્મિક ચેતના ઉદ્ગમ સ્થાન છે.

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના સદગુરૂ સંતોએ અક્ષરદેરીના મહિમાની વાતો કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની પોસ્ટલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો લાભ સૌ લઈ શકે તે માટે 'સ્વામીની વાતો'ની મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. શ્રી કાશી વિદ્વત પરિષદ દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત પૂ. ભદ્રેશદાસ સ્વામીનું 'વિદ્વત ગૌરવ' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ગુજરાતી ભાષામાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના તત્વજ્ઞાનને સમજાવતા પૂ. ભદ્રેશદાસ સ્વામી લિખિત 'શ્રી અક્ષરપુરૂષોતમ દર્શન પરિચય' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતું.

અંતમાં સૌએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સમૂહ આરતી વખતે એક સાથે લાખ-લાખ દિવડાઓના ઝગમગાટથી એક અનોખો આધ્યાત્મિક માહોલ રચાયો હતો. વસંત ઋતુની મોસમનું વાતાવરણ સૌને ઠંડકની અનુભુતિ કરાવતુ હતુ તો બીજી બાજુ મહોત્સવનું વાતાવરણ ઉપસ્થિત સૌના મનને શિતળતાનો અનુભવી રહ્યુ હતુ.

તા.૩૦ જાન્યુઆરી ર૦૧૮ સુધી એટલે કે આગામી ૮ દિવસ સુધી આ મહોત્સવ ચાલુ રહેશે. દરરોજ બપોરના ર થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી સ્વામીનારાયણ નગરમાં આવેલ પ્રદર્શન ખંડોની મુલાકાત લઇ લાખો લોકો જીવન ઉત્કર્ષની પ્રેરણા પ્રાપ્ત કરશે તેમજ ૭૦ ફુટ ઉંચી અને પ૦ ફુટ પહોળી વિરાટ અક્ષર દેરી પરના રોમાંચક લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા અક્ષર દેરીનો મહિમા અને ઇતિહાસને માણશે રોજ સવારના ભાગે જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સ્વામી નારાયણ નગરની મુલાકાત લઇને માનવતાના પાઠ ભણશે.

મુખ્ય સભા મંડપમાં ૫૦ હજાર હરિભકતોએ રાષ્ટ્રગાન ગાઈને દેશભકિત ઉજાગર કરી

ગોંડલ, તા. ૨૩ :. સ્વામીનારાયણનગરનાં મુખ્ય સભાખંડમાં રાષ્ટ્રપતિ પધાર્યા ત્યારે ઉપસ્થિત મહંતો અને લાખો હરીભકતો ઉભા થઈ રાષ્ટ્રગાન ગાયુ હતું તથા રાષ્ટ્રપતિના વિદાય વેળા પણ ફરીવાર રાષ્ટ્રગાનનું નાદ કરી દેશભકિત ઉજાગરી કરી હતી. રાષ્ટ્રપતિને આવકાર પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી દ્વારા અંગ્રેજી સ્પીચના માધ્યમથી અપાયો હતો. આ વેળા પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા રાષ્ટ્રપતિનું અમૃત કુંભ અર્પણ કરી સન્માનીત કરાયા હતા. આજના કાર્યક્રમનું સંસ્થા દ્વારા માઈક્રો લેવલનું મેનેજમેન્ટ ઉડીને આંખે વળતે તેવુ હતું.

(11:44 am IST)