સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd November 2022

મોરબી જિલ્લામાં ૪૪૦ મતદારો પોતાનો મત ઘેર બેઠા આપશે

મોરબી તા ૨૨ : મોરબી જિલ્લામાં વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓ મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ વર્ષે પ્રથમવાર ૮૦ વર્ષથી વધુ વયનાં મતદારો તેમજ દિવ્‍યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરવા અંગે વ્‍યવસ્‍થા કરાઇ છે. અને તા.૨૧ અને ૨૨ નવેમ્‍બરના રોજ આ મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં કુલ ૪૪૦ મતદારો પોતાનો અમૂલ્‍ય મત આપશે.

આ અંગે મોરબીના પ્રાંત અધિકારી દેવેન્‍દ્રસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, ૬૫ મોરબી વિધાનસભામાં હરીફ ઉમેદવારોની સંખ્‍યા ૧૭ ના અંક પર પહોંચી છે જેને પગલે બે બેલેટ યુનિટથી મતદાનની કામગીરી થવાની છે આ વખતે ચૂંટણી પંચની ગાઈડ લાઈન અનુસાર ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયોવળદ્ધ નાગરિકો કે જેઓ મતદાન કરવા ઈચ્‍છે છે પરંતુ મતદાન મથક સુધી આવવા માટે સક્ષમ નથી, એ જ રીતે દિવ્‍યાંગ મતદારો જેવો મતદાન કરવા ઈચ્‍છે છે પરંતુ મતદાર મથક સુધી પહોંચવા માટે તેમની પાસે કોઈ વ્‍યવસ્‍થા નથી એ માટે મોરબીમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા એક સર્વે કરવામાં આવ્‍યો છે આ સર્વે દરમિયાન દિવ્‍યાંગો અને વયોવળદ્ધ મતદાર હોય પોતાની અસક્ષમતા જણાવી હોય અને એવું કહ્યું હોય કે તેમને ઘેર બેઠા જ મતદાનની સવલત પૂરી પાડવામાં આવે તો તેઓ યોગ્‍ય રીતે મતદાન કરી શકશે. આવા મતદારો માટે એક ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે અને એ યાદીને ધ્‍યાને લઈને ૬૫ વિધાનસભા મોરબી મત વિસ્‍તારમાં કુલ ૪૪૦ મતદારો નોંધાયા છે. જેમણે પોતાના ઘરે જ મતદાન કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરે છે. તેવું તેમણે જણાવ્‍યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ અનુસંધાનમાં તારીખ ૨૧ અને ૨૨ નવેમ્‍બરના રોજ પ્રત્‍યેક રાજકીય પક્ષોને આ બાબતની ઝીણવટપૂર્વક જાણ કરવામાં આવી છે અને પોલિંગ ટુકડીઓ દ્વારા ૪૪૦ મતદારોના ઘરે ઘરે જઈને મતદાન પ્રક્રિયા કરાવી રહ્યા છે. આ મતદાન પ્રક્રિયા તટસ્‍થ રીતે થાય ગાઈડલાઈન અનુસાર થાય અને તેમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ભંગ ન થાય તેની પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. તેમાં બે પોલિંગ પાર્ટી છે. તેમની સાથે એક પોલીસ જવાન એક વિડીયોગ્રાફર અને રાજકીય પાર્ટીને જાણ કરવામાં આવેલી છે. જેથી તેઓ પણ ઈચ્‍છતા હોય તો કોઈ એજન્‍ટને સાથે મોકલી શકે, આ પ્રક્રિયામાં મત કુટીર પણ આપેલી છે તેથી વિડીયોગ્રાફીમાં કોણ કોને મત આપી રહ્યા છે એ ગુપ્ત પણ રહી શકે આ મુજબ ૨૧ અને ૨૨ નવેમ્‍બર દરમિયાન સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથોસાથ ૨૦ નવેમ્‍બરના રોજ એવીએમનું સેકન્‍ડ રેન્‍ડમાઇઝેશન પણ કરવામાં આવ્‍યું હતું ૨૧ નવેમ્‍બર અર્થાત આજે પોલિટેકનિકમાં જે ડિસ્‍પેચ સેન્‍ટર છે. ત્‍યાં ઇવીએમમાં જે બેલેટ ફિક્‍સ કરવાના હોય જેને ઇવીએમનું પ્રિપેરેશન અથવા કમિશનિંગ કહેવામાં આવે છે તે આજે અને કાલે કાર્યરત રહેશે જેથી બેલેટ પણ તૈયાર થઈ જશે તેવું  મોરબીના પ્રાંત અધિકારી દેવેન્‍દ્રસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું.

(11:52 am IST)