સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા વિસ્તારમાં ગંદકી-રોગચાળા સામે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ

રામધૂન બોલાવી સાત દિવસમાં અનુભવી સેનીટરી ઇન્સપેકટર મુકવા માંગ

વઢવાણ, તા.૨૨: સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા તમામ શહેરી વિસ્તારમાં રોડ રસ્તા પાણી સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ પાલિકામાં કવોલીફાઈડ સેનીટેશન ઈનસ્પેકટર ન હોવાથી ઠેરઠેર ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને રામધુન બોલાવી રોષ દાખવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના અનેક વિસ્તારોમાં હાલ રોગચાળો ફેલાઈ રહ્યો છે તેમજ ગંદકીના કારણે ઠેરઠેર ડેન્ગ્યુ, મેલેરીયા સહિતના રોગોએ દેખા દીધી છે જે અંગે રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. જયારે હાલ પાલિકામાંઙ્ગ સેનીટેશન વિભાગનાં ઈનસ્પેકટર તરીકે અનકવોલીફાઈડ વ્યકિતને જવાબદારી સોંપવામાં આવી હોય સુરેન્દ્રનગરની પ્રજાને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 આથી કવોલીફાઈડ વ્યકિતની સેનીટેશન ઈનસ્પેકટર તરીકે નિમણુંક કરવામાં આવે અને હાલ ફરજ બજાવી રહેલ ઓછી લાયકાતવાળા વ્યકિતને દુર કરી નિયમ મુજબ કવોલીફાઈડ વ્યકિતની નીમણુંક કરવાની માંગ કરી હતી તેમજ આગામી સાત દિવસમાં આ અંગે કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર કે પાલિકા પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર ન મળતાં રાહ જોયા બાદ છેવટે પાલિકાના સ્ટાફને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના કમલેશભાઈ કોટેચા, રોહીત પટેલ, મહેબુબખાન મલેક, સાહીર સોલંકી, અલ્પેશ ગાબુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(૨૩.૧૭)

(1:04 pm IST)