સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે જુનાગઢમાં

પ્રજાલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંદર્ભે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા બાંધકામનું ખાતમુહૂર્ત, મહાનગરપાલિકાની અમૃત સ્કીમ હેઠળ કરોડો રૂપિયાના કામોનો પ્રારંભ સહિતના કાર્યક્રમો - તૈયારીને અપાઇ રહેલો આખરી ઓપ

રાજકોટ તા. રર :.. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે પ્રજાલક્ષી  લોકાર્પણ અને ખાતુમુહૂર્ત સંદર્ભે જુનાગઢ આવી રહ્યા છે. ત્યારે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જૂનાગઢ  મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બપોરે બે વાગ્યે હેલીપેડ ઉપર ઉતરીને સીધા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૯૮ કરોડના ખર્ચે આકાર લેનાર નવા બાંધકામનાં ખાતમુહૂર્ત માટે જશે અને ત્યાંથી બહાઉદીન કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે.

બહાઉદીન કોલેજ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 'અમૃત સ્કીમ' હેઠળ થતાં ૬પ કરોડ રૂપિયા ઉપરના કામોનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાવવામાં આવશે. ઉપરાંત સરકારી કોલેજ ભેંસાણ અને તાલુકા પંચાયત કચેરી ભેંસાણનું લોકાર્પણ ડીજીટલી કરવામાં આવશે. સાથે - સાથે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા સ્કીલ બેઈઝડ ડીપ્લોમાં તથા સર્ટીફીકેટ કોર્સીસ (ર૭ કોર્સીસ)નું લોન્ચીંગ કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓ સરકારી કામોમાં યોગદાન આપી શકે તે માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકા વચ્ચે એમઓયુ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી, જુનાગઢના કલેકટરશ્રી ડો. સૌરભ પારધી તથા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરાના માગદર્શન હેઠળ આ શિક્ષણાલક્ષી અને સમાજલક્ષી કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

(12:58 pm IST)