સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

ધોરાજીમાં પાકવિમા મુદ્દે સમાધી અવસ્થામાં ખેડૂતનો વિરોધ

લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતા પણ હાથમા આવેલ કોળીયો છીનવાઇ જતા સરકાર સામે રોષઃ મહેશભાઇ હીરપરાએ વાડીમાં ખાડો ખોદીને યોજયો સમાધી કાર્યક્રમ

ધોરાજી પંથકમા પાક નિષ્ફળ જતા આક્રોશઃ ધોરાજીઃ ધોરાજી અને તાલુકામા કમોસમી વરસાદ-અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા સમાધી અવસ્થામા કાર્યક્રમ યોજીને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ (તસ્વીર-અહેવાલઃ કિશોર રાઠોડ-ધોરાજી)

ધોરાજી તા.૨૨: પહેલા વરસાદની અતિવૃષ્ટિ,ત્યારબાદ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે જેના કારણે ખેડુતોમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને વળતર તથા પાકવિમો ચુકવવા માટે માંગણી કરવામા આવી રહી છે ત્યારે ધોરાજીના સામાજીક અગ્રણી અને ખેડૂત મહેશભાઇ હિરપરાએ વાડીમા ખાડો કરીને સમાધી અવસ્થામા થોડી વાર રહીને નવતર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ધોરાજીમાં ત્રણ ચાર દિવસ પહેલા ખેડુતે પોતાનો મગફળીનો પાક નુકશાન થતાં પોતાનો મગફળીનો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડુતે કપાસનો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસની સમાધિ લેવાંનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડુત અગ્રણી મહેશભાઇ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવાયુ હતું તથા ત્યાર બાદ પણ અન્ય આગેવાનો ખેડુત અગ્રણી દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતંુ.

અત્યાર સુધી સરકારે કરેલ જાહેરાતનું અમલીકરણ થયું નથી અને ખેડૂતો સુધી આ રાહત પેકેજ મળ્યું નથી ત્યારે ધોરાજીનાં અન્ય એક ખેડૂતે સોયાબીનનું વાવેતર કર્યુ હતું એ દસ વીઘામાં વાવેતર કરેલ જે કમોસમી વરસાદ અને વાવાઝોડાંને કારણે પાક નિષ્ફળ ગયેલ એક વીઘે વાવેતરનો ખર્ચ ૧૨૦૦૦ હજારનો ખર્ચ થાય અત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઇ ગયો છે હવે નવું વાવેતર માટે ખેડૂત પાસે રૂપિયા રહ્યાં નથી.

જેથી પાક વિમા મુદ્દે અને સરકાર દ્વારા રાહત પેકેજ જે જાહેર કરેલ છે તાત્કાલીક ખેડુતોને આપવામાં આવે જેથી શિયાળું પાક લેવા માટે ખેડુતોને રાહત રહે  અને સરકાર સુધી વાત પહોંચે તેવી માંગણી ને લઇને ધોરાજીનાં ખેડુત મહેશભાઇ હિરપરાએ પોતાના વાડી સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો અને ૧૦૦ ટકા વિમો તાત્કાલિક ખેડુતોને મળે તેવી માંગ કરી હતી અને વાડી ખેતરોમાં સમાધિ લેવાંનો કાર્યક્રમ કર્યો હતો.

જેમાં ખેડુતો મહેશભાઇ, પંકજભાઇ હિરપરા, અરવિંદભાઇ, વિક્રમભાઇ વઘાસીયા સહિતના જોડાયા હતા.

(10:24 am IST)