સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd November 2018

કચ્છના સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ : ૧૦ ગંભીર : ૨૦ દાઝયા

અત્યંત ભારે તાપમાનમાં લોખંડ ઓગાળવાની પ્રક્રિયા વખતે દુર્ઘટના સર્જાતા દોડધામ

 ભુજ તા. ૨૨ : કચ્છના ધમડકા ગામે સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ-૩૦થી વધુ કામદારો દાઝયા હતા જેમાં૧૦ની હાલત ગંભીર છે.

કચ્છના ભુજ ભચાઉ હાઈવે ઉપર આવેલ અંજાર તાલુકાના ધમડકા ગામે સ્ટીલ ફેકટરીમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ છે. આજે સવારના અરસામાં ધમડકા ગામે આવેલી મોનો સ્ટીલ કંપનીના જ અન્ય યુનિટ જયભારત સ્ટીલ કોર્પોરેશન કંપની મા બ્લાસ્ટ થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોખંડના સળીયા બનાવતી આ કંપનીમાં આવેલ ભઠીમા દૈનિક કામગીરી પ્રમાણે અત્યન્ત ભારે તાપમાન વચ્ચે લોખંડ ઓગાળવાની પ્રક્રીયા ચાલી રહી હતી તે દરમ્યાન બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર ભઠી નું જવલનશીલ પ્રવાહી કામદારો ઉપર ઉડતા બુમાબુમ સાથે નાસભાગ મચી ગઇ હતી. જોકે, ભઠીનું ગરમાગરમ જવલનશીલ પ્રવાહી કામદારો ઉપર ઉડવાના કારણે ૩૦ થી વધુ કામદારો દાઝી ગયા હતા.

ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ગાંધીધામ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ લખાય છે ત્યારે મળતી માહિતી પ્રમાણે દાઝી ગયેલા ૩૦ કામદારો પૈકી ૧૦ કામદારોની હાલત વધુ ગંભીર છે. અત્યારે તમામની સારવાર ગાંધીધામમાં ડો. જીગ્નેશ મહેતાની હોસ્પિટલ મધ્યે ચાલી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

બ્લાસ્ટના બનાવ બાદ કામદારો પણ ચિંતા સાથે આક્રોશ અનુભવી રહ્યા છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સ્ટીલ (લોખંડ) બનાવવાની આ પ્રક્રિયા દરમ્યાન ભઠીની ગરમીનું તાપમાન ૧૦૦૦ થી ૧૨૦૦ ડીગ્રી જેટલું ભારે ઊંચું હોઈ દાઝેલા કામદારોની સ્થિતિ ગંભીર બની શકે છે.

(4:18 pm IST)