સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળને કવોલીટીમાં નેશનલ લેવલનો એવોર્ડ

ફલ્લા તા.રર : ભારત સરકારના નેશનલ કવોલીટી એસ્યોરન્સ એવોર્ડ સ્ટાન્ડર્ડ મુજબની પરીક્ષા લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ઉતીર્ણ કરીને આજરોજ ભારત સરકાર દ્વારા સન્માનીત થયેલ છે. જે મુજબ સમગ્ર ગુજરાતમાં આ એવોર્ડ મેળવનાર છઠ્ઠુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જામનગર જીલ્લાનુ ત્રીજુ બનેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનેલ છે.

આ એવોર્ડ મેળવવા માટે જીલ્લાકક્ષા તથા રાજયકક્ષાનું પ્રમાણપત્ર મેળવવુ ફરજીયાત છે ત્યારબાદ ભારત સરકારમાંથી નિમણુંક પામેલ તજજ્ઞ એવા કેરલા રાજયમાંથી આવેલ ડો.દેવકુમાર તથા હૈદરાબાદથી આવેલ ડો.નાગેશ દ્વારા મુલ્યાંકન તા.૨૦ થી ૨૧ સપ્ટે. ૨૦૧૯ના રોજ કરાયુ હતુ જેમાં પ્રા.આરોગ્ય કેન્દ્ર લાખાબાવળ ૯૨.૨૦ ટકા સ્કોર સાથે ઉતીર્ણ થતા જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર તથા કવોલીટી ઓફીસર ડો.સુભાષ ધમસાણીયા તથા તાલુકા હેલ્થ ઓફીસર ડો.રાજેશ ગુપ્તા તરફથી પ્રા. આરોગ્ય કેન્દ્ર લાખાબાવળના મેડીકલ ઓફીસર ડો.ભૂમી એસ.ઠુંમર તથા આયુષ મેડીકલ ઓ. ડો.માધવી જે.પટેલ તથા સમગ્ર લાખાબાવળ સ્ટાફને અભિનંદન પાઠવેલ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળ છેલ્લા ૩ વર્ષથી સતત નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કાયાકલ્પ તથા અન્ય સ્વચ્છતાના એવોર્ડમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે. આ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા ખાનગી હોસ્પિટલને પણ ટકકર મારે એવી જે ઉડીને આંખે વળગે તેવી છે. તમામ સ્ટાફનો માનવતાપુર્ણ સ્વભાવ અને દર્દીઓ સાથેનો માનપુર્ણ વ્યવહાર અને આરોગ્ય પ્રદ વાતાવરણથી આ હોસ્પિટલ મહેકી ઉઠે છે.

આ પ્રમાણપત્ર મેળવવા બદલ લાખાબાવળ હોસ્ર્પટલના મેડીકલ ઓફીસર લાખાબાવળ ગામ તથા અન્ય આજુબાજુના ગામોમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલોનો લાભ લો તેવી અપીલ કરે છે.

(11:44 am IST)