સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

છાત્ર પર અત્યાચાર મામલે જામકંડોરણાના પીએસઆઇ ચૌહાણની બદલીઃ તોળાતા પગલા

પીએસઆઇ ચૌહાણની બદલી થતા પોલીસ અત્યાચારની અન્ય ઘટનાઓ બહાર આવી રહી છેઃ જેતપુર એસીપી પણ પોલીસ સીતમની વિગતો જાણી ચોંકી ઉઠયા

રાજકોટ, તા., ૨૨: નિર્દોષ છાત્રા પર અત્યાચાર ગુજારનાર જામકંડોરણાના વિવાદાસ્પદ પીએસઆઇ વિનોદ ચૌહાણને અંતે રૂરલ એસપી બલરામ મીણાએ બદલીનો હુકમ કર્યો છે. પીએસઆઇ સામેની તપાસ બાદ હજુ પણ આકરા પગલા તોળાઇ રહયા છે. તેમજ પીએસઆઇ ચૌહાણની બદલી બાદ જામકંડોરણામાં પોલીસ અત્યાચારની ઘટનાઓ બહાર આવી રહી છે.

આર્મીમાં ભરતી માટે કેરેકટરનું સર્ટીફીકેટ કઢાવવા ગયેલ ચરેલના છાત્ર  હરપાલસિંહ વાળા પર જામકંડોરણાના પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ગુજારાયેલ અત્યાચારની ઘટના અંગે રૂરલ એસપી બલરામ મીણાએ જેતપુર એસીપીને તપાસ સોંપતા જેતપુરના એસીપી સાગર બાગમારે ભોગ બનનાર હરપાલસિંહ વાળાનું નિવેદન લીધું હતું. આ નિવેદનમાં હરપાલસિંહે પોલીસ દ્વારા ગુજારાયેલ અત્યાચાર અંગે ચોંકાવનારી વિગતો વર્ણવી હતી.

દરમિયાન રૂરલ એસપી બલરામ મીણાએ ગઇકાલે આ અત્યાચારની ઘટના સંદર્ભે  જામકંડોરણાના પીએસઆઇ  વિનોદ ચૌહાણની બદલી કરી લીવ રીઝર્વમાં મુકવાનો હુકમ કરેલ છે. પીએસઆઇ ચૌહાણની બદલી બાદ જામકંડોરણામાં પોલીસ અત્યાચારની સંખ્યાબંધ ઘટનાઓ બહાર આવી રહી છે. જેમાં સાતોદડના પ્રૌઢ અને યુવાન પુત્ર ઉપરાંત ખેતર વાવતા મજુરોને પણ વીજ શોક આપ્યાની તેમજ જામકંડોરણા પંથકમાં ખાનગી પ્લોટમાંથી ઝાડ કાપવા બાબતે વેપારી યુવાન પર શીતમ ગુજારાયો હતો. જો કે આ વેપારી બીકના માર્યા ચુપ રહયા હતા. તેમજ અન્ય ત્રણેક વાહન ચાલકો પણ જામકંડોરણા પોલીસમાં થર્ડ ડીગ્રી સીસ્ટમનો ભોગ બન્યાનું બહાર આવી રહયા છે.

જામકંડોરણામાં પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ગુજારાયેલ સંખ્યાબંધ અત્યાચારની ઘટનાઓની વિગતો જાણી જેતપુરના એસીપી સાગર બાગમાર પણ ચોંકી ઉઠયા હતા અને પોલીસ અત્યાચારની ઘટનાઓ અંગે છાનભીન શરૂ કરી છે. જેતપુર એસીપી સાગર બાગમારની તપાસ પુર્ણ થયા બાદ પીએસઆઇ વી.બી.ચૌહાણ સામે આકરા પગલા તોળાઇ રહયા છે.

(11:20 am IST)