સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

જીતુભાઇ વાઘાણી સામે તેના વતનમાં કારડીયા રાજપૂત સમાજની લડતની ચિમકી

 

ભાવનગરઃ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે ફરી તેનાં વતનમાં કારડીયા રાજપૂત સમાજે લડતની ચિમકી આપી છે. બુધેલનાં પુર્વ સરપંચ દાનસીંગ મોરીને ત્યાં મળેલ બેઠકમાં કારડીયા સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ મેઘના વિુપલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૨૨: આજે ભાવનગર નજીકના બુધેલ ગામે પુર્વ સરપંચ દાનસંગભાઇ મોરીના સમર્થનમાં રાજપૂતસમાજના લોકો એકત્ર થયા હતા અને આ બેઠકમાં તેઓએ  જણાવ્યું હતું કે, બુધેલના પુર્વ સરપંચ અને અગ્રણી દાનસંગભાઇ મોરી સામે અગાઉ કરાયેલ કેસો પાછા ખેંચી લેવા બાબતે રાષ્ટ્રીય ભાજપ પ્રમુખની હાજરીમાં પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી સાથે સમાધાન થયુ હતું. જે સમાધાન બાદ હજુ સુધી આ કેસો પાછા નહીં ખેંચાતા આખરે અમારે સમાજ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાજપ સરકાર સામે મોરચો માંડવો પડયો છે જો બે દિવસમાં આ મામલે કોઇ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો આગામી લોકસભાની ચંૂટણીમાં  અમારો સમાજ ભાજપ અને જીતુભાઇ વાઘાણી વિરૂદ્ધ કાર્ય કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

બુધેલના અગ્રણી અને પુર્વ સરપંચ દાનસંગભાઇ મોરીએ આ બાબતે જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની પર કરાયેલ ખોટા કેસો પાછા ખેંચી લેવા બાબતે રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ અમીતભાઇ શાહની હાજરીમાં પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી સાથે મોૈખિક સમાધાન થયું હતું જે સમાધાન બાદ હજુ સુધી આ કેસો પાછા નહીં ખેંચાતા તેમણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલની ઉપસ્થિતિમાં તાલુકાઓ અને જિલ્લાના સમાજના આગેવાનોની હાજરીમાં સરકાર અને જીતુભાઇ વાઘાણી સામે લડી લેવા નક્કી કરાયાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે, બે દિવસમાં જો જીતુભાઇ વાઘાણી આ કેસો પાછા ખેંચી લેવાની કોઇ કાર્યવાહી નહીં કરે તો સમસ્ત રાજપૂત સમાજ એક થઇ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેની અને સરકારની વિરૂદ્ધમાં કામ કરી લડી લેવા ચિમકી આપી હતી.(૧.૨૭)

(3:46 pm IST)