સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

જામનગરનાં ખીજડીયા પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓનું આગમન

જામનગર : રાજકોટ રોડ પર આવેલ વિશ્વ વિખ્યાત ખિજડીયા પક્ષી અભ્યારણમાં શિયાળો ગાળવા દેશ-વિદેશના પક્ષીઓનું આગમન થઇ ચુકયું છે. ખાસ કરીને પેલીકન, વૈયા, ફલેમીંગો, મોટી ચોટલી ડૂબકી, જલમાં. પેન્ટેડ સ્ટોર્ક, સોવેલર, સહિતના અનેક પ્રકારની બતકો અને નાના મોટા પક્ષીઓ જોવા મળી રહ્યા હોવાનું ખીજડીયાના આર. એફ. ઓ. એન. એન. જોષીએ જણાવ્યું હતું. આ વર્ષે જામનગર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નહીંવત થતા આ પક્ષી અભ્યારણ પણ પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે બે વિભાગમાં વહેંચાયેલું આ પક્ષી અભ્યારણના પાર્ટ-ર માં પાણીનો જુજ જથ્થો રહેવા પામેલ છે તો પાર્ટ-૧ પણ પાણી લાંબો સમય ટકી રહે તેવું જણાતું નથી. ઓછા પાણીમાં પણ અનેક પક્ષીઓના માળા અને સ્પુનબીલ, ડાર્ટર, કોરમોરન્ટ, તથા બગલાની અનેક પ્રજાતિની નેસ્ટીંગ કોલોની બની છે જે પક્ષી પ્રેમીઓ માટે સુખદ સમાચાર કહી શકાય. સમી સાંજે વૈચા ની સમુહ કવાયત પણ ખીજડીયાની શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે. ખીજડીયા પક્ષી અભ્યારણમાં વૃક્ષારોપણ તથા પક્ષીઓના રહેઠાણ અને સુરક્ષા જળવાઇ રહે તે માટે ફોરેસ્ટરો દક્ષાબેન વઘાસીયા, જી. કે. ડાંગર, મુકુલભાઇ સોઢા સહિતનો સ્ટાફ કાર્યશીલ છે. આગામી દિવસોમાં પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યે જાગૃતતા અને સમજણ માટે વિદ્યાર્થીઓ માટે ના નેચર સ્ટડી કેમ્પ પણ મરીન નેશનલ પાર્ક દ્વારા શરૂ થશે જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. (તસ્વીરો : વિશ્વાસ ઠકકર) (પ-૧૯)

(3:43 pm IST)