સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

જાતીય અત્યાચારમાં બે મહિનામાં જ ન્યાય આપવા સંકલ્પબધ્ધ : વિજયભાઇ

નવરચિત બોટાદ જિલ્લો બન્યો જુડીશ્યલ ડીસ્ટ્રીકટ : રૂ. ૩૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ન્યાયાલયનું લોકાર્પણ

બોટાદ તા. ૨૨ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજયમાં ગરીબ સામાન્યમાં સામાન્ય માનવી સહિત પક્ષકારોને ઝડપી - સરળ અને સસ્તો ન્યાય મળે તેવી સુદ્રઢ પ્રણાલિ 'રૂલ ઓફ લો' ગુજરાતે વિકસાવી છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, લોકશાહીના મૂલ્યો પ્રત્યે લોકોનો આદર ગાઢ બને અને સાચો ન્યાય મળશે જ તેવી શ્રદ્ઘા નાનામાં નાના વ્યકિતમાં જાગે તે 'રૂલ ઓફ લો'ની સાચી શ્રેષ્ઠતા છે.

મુખ્યમંત્રીશ્રીએ નવરચિત બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદમાં રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય સંકુલનું લોકાર્પણ રાજય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ શ્રી એસ. સુભાષ રેડ્ડી અને કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વડી અદાલતના ન્યાયાધીશશ્રીઓ, બોટાદ- ભાવનગરના વરિષ્ઠ ન્યાયાધીશશ્રીઓ અને બન્ને જિલ્લાના વકીલશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ન્યાયપાલિકામાં વિકેન્દ્રિત વ્યવસ્થા તથા ટેકનોલોજીના વિનિયોગથી ઝડપી ન્યાય દ્વારા લોકોની અપેક્ષાઓ સંતોષીને કાનૂન ક્ષેત્રે ગુજરાત દેશનું માર્ગદર્શક - નવો આદર્શ બનવા સજ્જ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયમાં  સ્ત્રીઓ – નાની બાળાઓ પરના જાતીય અત્યાચારોની ઘટનાઓ સામે સરકાર સખ્તાઈથી પેશ આવવા સંકલ્પબદ્ઘ છે.

આ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી બે જ મહિનામાં તેનો નિકાલ લાવી ગુનેગારોને કડકમાં કડક સજા કરાવી દાખલો બેસાડવો છે.

શ્રી વિજયભાઈ રૂપાણી અદાલતોમાં કેસોના ઝડપી નિકાલથી 'ઝીરો પેન્ડન્સી'માટેના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી એસ. સુભાષ રેડ્ડીના પ્રો-એકિટવ અભિગમની સરાહના કરી હતી.

શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદની ધરતી ભગવાન સ્વામિનારાયણ, હનુમાનજી મહારાજ અને પાળીયાદની ગાદીની પવિત્ર ભૂમિ છે, તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સ્થાનકો - મંદિરોમાં જે શ્રદ્ઘા -  આસ્થાથી લોકો આવે છે, તે જ પરિપાટીએ ન્યાયના આ મંદિરમાં પણ સાચો ઝડપી ન્યાય મળવાની શ્રદ્ઘા સાથે આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં જિલ્લાની ન્યાયપાલિકાએ આગવા વર્ક કલ્ચરથી નવા વાતાવરણ સાથે કાર્યરત રહેવું એ સમયની માંગ છે, એવો અનુરોધ તેમણે કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી એસ. સુભાષ રેડ્ડીએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા ઉદારતાથી ફંડ ફાળવી ન્યાયતંત્રને મજબૂત બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ન્યાય તંત્ર સાથે સંકળાયેલ લોકોની જવાબદારી છે કે તેમના માટે ફાળવાયેલ સેવાને સમાજને કેવી રીતે પરત આપી શકાય તે દિશામાં વિચારવું જોઈએ.

આ ભવન કાલથી કાર્યન્વિત થવા સાથે જજશ્રીઓ  અને વકીલોશ્રીઓની જવાબદારી પણ વધશે તેમ જણાવી તેમણે કહ્યું કે, રાજયમાં અત્યારે ૧૪ લાખ કેસ પેન્ડિંગ છે, જે તમારા સહકાર દ્વારા બે વર્ષમાં સાત લાખ સુધીની કેસોની પેન્ડન્સી સુધી લાવવો છે. ગુજરાતમાં પરંપરાગત રીતે કેસની મુદતો ન પાડી તેના મેરિટ પર ઝડપથી ચલાવવાથી કેસોનો ઝડપી નિકાલ આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં મોટર વ્હીકલ, પ્રોહીબીશન, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ  અને જમીનના લગતા કેસોની મોટી સંખ્યામાં પેન્ડન્સી છે અને વકીલ તથા બાર એસોસિએશનના સહકારથી એમાં વ્યાપક ઘટાડો લાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજયનો વિકાસ કરવો હોય તો મોટા જિલ્લામાંથી નાનો જિલ્લો બનાવવો જોઈએ તે અભિગમને ધ્યાનમાં લઈ રાજયમાં ૭ નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે. જેથી અરજદારોને વધુ દૂર સુધી ન્યાય માટે જવું પડશે નહીં.

તેમણે કહ્યું કે, અગાઉ ૬ જિલ્લા જયુડિશિયલ જિલ્લા તરીકે કાર્ય શરૂ થઈ ચૂકયું હતું. આજે બોટાદમાં નવી જિલ્લા અદાલત શરૂ થતાં નવા સાતેય જિલ્લામાં જિલ્લા ન્યાય અદાલત શરૂ થઈ ગઈ છે.

ભાવનગરના ડિસ્ટ્રીકટ જજશ્રી એસ.જે.બક્ષીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩ માં બોટાદની સ્વતંત્ર જિલ્લા તરીકે સ્થાપના બાદ આજે જિલ્લાની સ્વતંત્ર કોર્ટ કાર્યરત થઈ છે. ત્રણ વિંગમાં ફેલાયેલ કોર્ટ બિલ્ડિંગમાં ૧૬ કોર્ટની બેસવાની ક્ષમતા છે અને તે સંપૂર્ણ સુવિધા સાથે કાયર્િાન્વત થઈ છે તેનો તેમણે હર્ષ વ્યકત કર્યો હતો.

ગુજરાત વડી અદાલતના જસ્ટિસશ્રી અને ભાવનગર જિલ્લાના એડમિનીસ્ટ્રેટિવ જજ શ્રી સોનિયાબેન ગોકાણીએ જણાવ્યું કે, બોટાદમાં નવી જિલ્લા અદાલત દ્વારા અરજદારોની સુવિધા વધશે. અરજદારને કેન્દ્રમાં રાખી ત્યાં કાર્ય કરનાર નિષ્ઠાપૂર્વક, સંવેદનશીલતા સાથે કાર્ય કરે ત્યારે જે હેતુ માટે ભવન નિર્માણ થયું છે તેનો અર્થ સાર્થક થતો હોય છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

બોટાદમાં સાત હજાર જેટલા કેસોની પેન્ડન્સી છે તે પણ વહેલી તકે પૂરી  થાય અને બોટાદ જિલ્લો  વિવાદ મુકત જિલ્લો બને તે માટે ન્યાય પાલિકાના કર્મચારીઓને કટિબદ્ઘ થવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ લોકાર્પણ પ્રસંગે બોટાદના ડિસ્ટ્રીકટ જજ શ્રી અતુલ રાવલ, બાર એસોસીએશનના પ્રમુખ શ્રી દિપેનભાઇ દવે, કાયદા સચિવ શ્રી વોરા, બોટાદ બાર એસોસિએશનના પ્રમુખશ્રી બી.બી. ધાંધલ, શ્રી જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર, ન્યાય જગતના મહાનુભાવો, વકીલો તથા બોટાદ ની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.(૨૧.૧૨)

(12:01 pm IST)