સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd September 2021

ગોંડલ પાલિકાના પૂર્વ સદસ્યે ત્રીજી દીકરીનાઅવતરણને ત્રિગુણી ખુશીથી વધાવી

ત્રીજું સંતાન આવવાનું હોય ગત નગરપાલિકાની ચૂંટણીની ઉમેદવારી પણ છોડી દીધી હતી

ગોંડલ,તા.૨૨: થોડા વર્ષો પહેલા સમાજમાં દીકરીના અવતરણને 'સાપનો ભારો' સમજવામાં આવતો હતો હાલ આ ગેરસમજ બદલાઈ રહી છે ત્યારે ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્યને ત્યાં ત્રીજી દીકરીનું અવતરણ થતા ત્રિગુણી ખુશીથી તેને વધાવી સમાજને પ્રેરણારૂપી કાર્ય કર્યું હતું.

વર્તમાન સમયે દીકરા-દીકરીનો ભેદ મટી રહ્યો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થાય તો માતા-પિતાના કપાળની લકીરો પર ચિંતા વધતી જતી હોય છે તેવા સમયે ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અનિલભાઈ માધડના પરિવારમાં વધુ એક સદસ્યનો ઉમેરો થવાના સમાચાર મળતા જ પરિવાર હરખાયો હતો અને અનિલભાઈ એ નગરપાલિકાની ચૂંટણીની ઉમેદવારી કરવાનું પણ ટાળ્યું હતું. મોટી દીકરી આસ્થા, ત્યારબાદ શિવાક્ષી અને ત્રીજી દીકરી રિયાના નું અવતરણ થતા આ ખુશીને અનિલભાઈ માધડે ત્રિગુણી ખુશી ઈશ્વરે આપી હોવાનું જણાવ્યું હતું.

અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે ગત નગરપાલીકાની ચૂંટણી વેળાએ આવનાર પરિવારના નવા સભ્યના સમાચાર મળતા નગર પાલિકા ની ચૂંટણી નહીં લડવાનો મક્કમ નિર્ણય કરી લીધો હતો કારણકે ત્રણ સંતાનોના પિતા પાલિકામાં સદસ્ય રહી શકતા નથી તેવો કાનુન છે, ઈશ્વરની કૃપાથી ત્રીજી દીકરી નું અવતરણ થતાં તેની છઠ્ઠી ના દિવસે બટુક ભોજન સહિતના કાર્યક્રમ કરી ખુશી વ્યકત કરી હતી.

(11:52 am IST)