સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ઓઝોનમાં પડેલ ગાબડું સમગ્ર માનવજાત માટે વિનાશકારક છે : ઓઝોન સ્તરની જાળવણી અનિવાર્ય : અમેરિકન પ્રો.બર્નેશ પોલ

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ''સેવ ઓઝોન સેવ અર્થ'' વિષય ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાના વેબિનારનું સફળ આયોજન થયું : ડો. વિક્રમ સારાભાઈની ૧૦૦મી જન્મજયંતિ તથા યુનિવર્સિટીના છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આયોજનમાં હજારો લોકો જોડાયા

જુનાગઢ,તા.૨૨ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અનુસંધાને અને ડો.વિક્રમ સારાભાઈની ૧૦૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ તથા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના સયુંકત ઉપક્રમે 'સેવ ઓઝોન સેવ અર્થ' વિષય પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાંથી હજ્જારો વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, આચાર્યો, સંશોધકો વિગેરે ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

આ આંતરરાષ્ટ્રીય વેબિનારમાં વિષય નિષ્ણાંત તરીકે હાજર રહેલ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના કો. ચેરપર્સન અને લોયોલા યુનિવર્સિટી, યુ.એસ.એ.ના પ્રોફેસર ડો.બર્નેશ પોલે જણાવ્યું હતું કે ઓઝોન સ્તરમાં પડેલ ગાબડું સમગ્ર માનવજાત માટે વિનાશકારક છે, જેથી ઓઝોન સ્તરની જાળવણી અનિવાર્ય છે. ઓઝોન હોલને કારણે ઘણા બધા હાનીકારક પરિબળો અને તેની વિનાશકારક અસરો સમગ્ર વિશ્વ નિહાળી રહ્યું છે.

ગુજરાત રાજયના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માએ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થતા કુલપતિશ્રી

પ્રો.(ડો.)ચેતન ત્રિવેદીને સતત વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી તથા શિક્ષણલક્ષી કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, સાથે સાથે ''સેવ ઓઝોન, સેવ અર્થ તેમજ સેવ વોટર''  ઉપર વિસ્તૃત અને ઊડાણપૂર્વક સમજ આપી હતી. 

કુલપતિશ્રી પ્રો.(ડો.)યેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓઝોનની જાળવણી એ દરેકની વ્યકિતગત ફરજ છે અને તેનું હાલના સમયમાં સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે.

વેબિનારની શરૂઆતમાં વેબિનારના કન્વીનર પ્રો.(ડો.)સુહાસ વ્યાસે સ્વાગત પ્રવચનુ કર્યું હતું તથા વેબિનારનું સંચાલન ડો.આર. ડી. રવિયાએ કર્યું હતું. અંતમાં આભારવિધિ ડો.જતીન રાવલે કરી હતી. ડો.દુષ્યંત દુધાગરા, ડો.સંદીપ ગામીત તથા ડો. ઓમ જોશી દ્વારા પણ વેબિનારને સફળ બનાવવા જહેમત ઉઠાવાય હતી.

(12:48 pm IST)