સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

પોરબંદર જિલ્લામાં રેકડી અને કેબીનધારકોએ બંધ પાળ્યોઃ રાજકીય ઇશારે થતી હેરાનગતિ સામે રોષ

રેકડી કેબીન ધારકો ચોપાટી મેદાનમાં એકઠા થઇને વારાફરતી કલેકટર-નગરપાલિકા તથા એસ.પી.ને આવેદનપત્રો પાઠવ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રર : જિલ્લામાં રાજકીય ઇશારે રેકડી અને કેબીન ધારકોને દબાણ હટાવ ઝુંબેશના નામે કરાતી હેરાનગતિ સામે જિલ્લાભરના  રેકડી અને કેબીન ધારકોએ આજે એક દિવસ બંધ પાળીને ચોપાટી મેદાન ખાતે એકઠા થઇને રોષ વ્યકત કરેલ અને ત્યાર પછી કલેકટર, નગરપાલિકા તથા એસ.પી.ને આવેદનપત્રો પાઠવ્યા હતાં.

જિલ્લામાં રેકડી અને કેબીન રાખીને કુટુંબનું ભરણપોષણ કરતા નાના ધંધાર્થીઓને દબાણ હટાવ ઝુંબેશમાં નિશાન બનાવીને રાજકીય સ્વાર્થથી તેના ઇશારે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો માટે કેટલાંક સમયથી ઉઠી છે. શહેરમાં ચાઇનીઝ બજારના નાના ધંધાર્થીઓને સફાઇના નામે પાલિકાની નોટીસ અપાય છે. ત્યારબાદ દબાણ હટાવવા નોટીસો આવી હેરાનગતિ કરાતાની ફરીયાદો ઉઠી છે. ચાઇનીઝ બજારની જગ્યા અંગે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે છતાં પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓને હેરાનગતિ કરવાનું ચાલુ રહેલ છે.

શહેરમાં કલમ ૧૪૪  સમયાંતરેે લાગુ કરાય છે ત્યારે નાના ધંધાર્થીઓ હેરાન થઇ જાય છે. રેકડી અને કેબીન ધારકોએ પાળેલ બંધને વ્હોરા સમાજ, સલાટવાડા તથા નવી બજાર ખારવા સમાજે ટેકો જાહેર કરેલ છે. રેકડી કેબીન ધારકોને હેરાનગતિ દુર કરવા કલેકટર નગરપાલિકા અને એસપીને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતાં.

(12:46 pm IST)