સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ગોંડલના અનીડા ભાલોડી ગામે જમીનની તકરારમાં બઘડાટીઃ પોલીસમાં સામસામી ફરીયાદ

મજૂરી કામ રાખનાર રાકેશ પટેલ તથા તેના મજુરને કિરીટ જોષી સહિત ૪ શખ્સોએ માર માર્યોઃ સામા પક્ષે યોગેશ જોષી સહિત ત્રણએ માર માર્યાની વળતી ફરીયાદ

રાજકોટ તા. રર :.. ગોંડલના અનીડા ભાલોડી ગામે બે ભાઇઓ વચ્ચે જમીનની તકરારમાં મજૂરી કામ રાખનાર પટેલ યુવાન તથા તેના મજૂરને ૪ શખ્સોએ માર માર્યો હતો. સામા પક્ષે પણ માર માર્યાની વળતી ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ અનીડા ભાલોડી ગામે યોગેશ ગુણવંતભાઇ જોષીની વાડીએ રાકેશ રમેશભાઇ કટારીયા તથા તેના મજૂરો સુરેશ ભીખાભાઇ આદિવાસી તથા સરજુ ભુરીયા કામ કરતા હતા ત્યારે કિરીટ રમણીકભાઇ જોષી, જયેશભાઇ જોષી, અક્ષય હર્ષદભાઇ જોષી તથા સોનલબેન કિરીટભાઇ જોષી રે. ગોંડલએ આવી સાહેદ સરજૂ ભુરીયા ઉપર પાવડાથી હૂમલો કર્યો હતો તેમજ ફરીયાદીને ટીકાપાટુનો માર મારી મારા ખેતરના પડામાં આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતાં. આ અંગે રાકેશ કટારીયાએ ઉકત ચારેય શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

સામા પક્ષે કિરીટભાઇ રમણીકભાઇ જોષીએ યોગેશ ગુણવંતભાઇ જોષી, જીતેન્દ્ર ગુણવંતભાઇ જોષી તથા રાકેશ રમેશભાઇ કટારીયા સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સાહેદ વાડીએ કામ કરતા હતા ત્યારે યોગેશ જોષી મજૂરો લઇ દવા છાંટવાનું કામ કરવા આવતા ફરીયાદીએ ખેતરમાં આવવાની ના પાડતા ઉકત ત્રણેયએ સાહેદ જયેન્દ્રભાઇ ઉર્ફે જયેશભાઇ ઉપર પાવડાથી હૂમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

બે ભાઇઓ વચ્ચેની જમીન તકરારમાં આ ડખ્ખો થયાનું પોલીસે જણાવ્યું હતું. તાલુકા પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ લઇ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)