સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જૂનાગઢ ભવનાથ-ગિરનાર વિસ્તારનાં આશ્રમોને રાહત પેકેજ આપો

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કલેકટરને રજુઆત

જુનાગઢ,તા.૨૨ :  મંદિર ના પૂજારીઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણો ને સરકાર દ્વારા રાહત પેકેજ મળે એમાં વિશ્વ હિન્દૂ પરિષદ ને રાજીપો છે તેમજ ભવનાથ સ્થિત નાના મોટા આશ્રમો પણ યાદીમાં સમાવેશ થાય એવી માંગ છે.

જય શ્રી રામ સાથે જણાવવાનું કે  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ  દ્વારા હાલમાં જ ગુજરાતમાં તમામ કલેકટરઓને મંદિરના પૂજારીઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ મળે એવી રજુઆત કરી હતી જે રજુઆત બિલકુલ યોગ્ય છે તેમજ રાહત પેકેજ સરકાર તરફથી અનિવાર્ય પણે મળે એવી વિશ્વ હિન્દુ પરિષદ પણ ઈચ્છે છે.

પૂજારીઓ તેમજ બ્રાહ્મણો પૂજાપાઠ તેમજ કર્મકાંડ થી નભતા હોય ત્યારે કોરોના મહામારીને લીધે લોકડાઉન થતા અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. મંદિરો પણ બંધ કરી દેવાયા હતા. આથી મંદિરોના પૂજારી, તેના પર આધારિત આવક ધરાવતા ભૂદેવો અને કર્મકાંડી ભૂદેવોની આવક બંધ થઈ ગઈ હતી જે નુકસાન પરત્વે જો સરકાર તરફથી રાહત પેકેજ મળે તો વિશ્વ હિન્દુ પરિષદ સરકારને ચોક્કસ આભારી થશે.

સાથે સાથે કલેકટર મારફત સરકારને રજુઆત પણ કરીયે છીએ કે જૂનાગઢ માં ભવનાથ વિસ્તારમાં તેમજ ગિરનાર પર્વતમાળાઓમાં ઘણા બધા નાના - મોટા આશ્રમો છે જેના સંતો - મહંતોના નામો પણ આ રાહત પેકેજમાં સમાવેશ થાય કેમકે લોકડાઉન પછીથી બહારગામથી તેમજ સ્થાનિકમાંથી ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો અહીં આવે છે ત્યારે પૂજારીઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણોની સાથે આશ્રમોના મહંતોના નામો પણ યાદીમાં ઉમેરાય એવી પણ વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે.

(11:47 am IST)