સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ધોરાજીમાં ૭૦ બેડની કોવીડ હોસ્પીટલ શરૃઃ રાજકોટમાં ત્રણ બ્લડ બેંકમાં પ્લાઝમાના ર૦૦ દાતાઓ જાહેર

સીવીલમાં ૧૦૦ લોકોએ નામ નોંધાવ્યાઃ રાજકોટમાં આજે બપોરે કોવીડ સેન્ટર માટે જ્ઞાતિમંડળો સાથે બેઠક

રાજકોટ, તા., ૨૨: એડીશ્નલ કલેકટરશ્રી પરીમલ પંડયાએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇકાલે બપોર બાદ યોજાયેલ પ્લાઝમાં કોન્ટેટ અંગેની ગઇકાલે બપોર બાદ યોજાયેલ પ્લાઝમા ડોનેટ અંગેની મીટીંગમાં ડોકટરો-લેબોરેટરીઓ-સરકારી કર્મચારીઓ તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ મીટીંગ બાદ સિવિલ હોસ્પીટલની બ્લડ બેંકમાં જ ૧ દિવસમાં ૧૦૦ જેટલા પ્લાઝમા દાતા જાહેર થઇ ગયા છે, આગળ આવ્યા છે તો અન્ય બે ખાનગી બ્લડ બેંક લાઇફ અને સૌરાષ્ટ્ર બ્લડ બેંકમાં ૯૬ દાતાઓએ પ્લાઝમા થેરાપી અંગે નામો નોંધાવી દીધા છે. હજુ વધુને વધુ લોકો આગળ આવે એવી અપીલ છે.તેમણે જણાવેલ કે ધોરાજીમાં ૭૦ બેડની નવી કોવીડ હોસ્પીટલ ગઇકાલે સાંજથી શરૂ થઇ ગઇ છે. આથી રાજકોટ ઉપરનું દર્દીઓનું ભારણ પણ ઓછું થશે.

તેમણે જણાવેલ કે સુરતમાં જેમ મોટા પાયે જ્ઞાતિમંડળો દ્વારા પોતાના જ્ઞાતિજનો માટે કોવીડ કેર સેન્ટર શરૂ થયા છે તેવી જ રીતે રાજકોટમાં પણ દરેક જ્ઞાતિજન સમાજ દ્વારા શરૂ કરાય તે માટે આજે બપોરે ૧રાા વાગ્યે જીલ્લા કલેકટર શ્રી રાણાવસીયા દ્વારા શહેરના વિવિધ જ્ઞાતિ સમાજની મીટીંગ બોલાવાઇ છે. હાલ પ્રજાપતી જ્ઞાતિ સમાજ દ્વારા પોતાના જ્ઞાતિજનો માટે આવુ કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું છે. રાજકોટમાં દરેક જ્ઞાતિસમાજ આગળ આવે તેવી અપીલ છે.

(11:40 am IST)