સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

કચ્છમાં કોરોનાનું જોર વધ્યું : સીડીએસ અધિકારી સહિત ૨૭ ઝપેટમાં : મોતનો આંક વધ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨: કચ્છમાં કોરોના બેકાબૂ ગતિએ લોકોને પોતાની લપેટમાં લઈ રહ્યો છે. ત્યારે એક બાજુ કચ્છનું વહિવટીતંત્ર લોકોને અને મીડીયાને સાચી માહિતીથી વંચિત રાખી રહ્યુ છે. બીજી બાજુ કોરોનાથી બચવાની સુફિયાણી સલાહ પણ આપે છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તેમ જ નાશ લેવાની તંત્રની સલાહ લોકો માટે જરુર ઉપયોગી છે જ. પણ, કચ્છમાં રાજકીય નેતાઓ ઘણીવાર માસ્ક પહેર્યા વગર જ અધિકારીઓ સાથે તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વગર લોકો સાથે જાહેરમાં દેખાઈ રહ્યા છે. પણ, તંત્ર એ નેતાઓને રોકી શકતું નથી. તેમાયે હવે જયારે સંક્રમણ વધવાની સાથે કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. સંક્રમણની વરવી પરિસ્થિતિ વચ્ચે ભુજમાં આંગણવાડીની બહેનો સાથે મિટિંગ યોજનાર સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી ઓઝા સંક્રમણની ઝપટે ચડતાં કોરોનાગ્રસ્ત થયા છે. તો, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢાને કોરોનાના હળવા લક્ષણ જણાતાં ઘરે આઇસોલેટ થયા છે. નવા ૨૭ કેસ નોધાયા છે.

જયારે અત્યારે ૩૬૧ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ ૧૮૪૨ કેસ થયા છે. જયારે ૧૩૮૦ દર્દીઓને રજા મળી ગઈ છે. સરકારી ચોપડે ૫૯ મોત છે. પણ, રજા મળેલ દર્દીઓ અને એકિટવ કેસ બન્નેના સરવાળા અને કુલ કેસમાંથી એ સંખ્યા બાદ કરતા ૪૨ દર્દીઓ ઘટે છે. આમ, કચ્છમાં બિન સત્ત્।ાવાર મૃત્યુ આંક ૧૦૧ થવા જાય છે. જોકે, મીડિયાને સમયસર માહિતી આપવામાં તંત્રના રોજરોજના ડખ્ખા યથાવત છે. તે વચ્ચે કચ્છના ચુંટાયેલા પદાધિકારિઓ મીટીંગોમાં વ્યસ્ત છે. પ્રજા ઉપર સંક્રમણનો ભય ઝળુંબી રહ્યો છે.

(11:35 am IST)