સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

મોરબીમાં મંદિરની આરતીમાં ગયેલી પાંચ વર્ષની બાળા પર બળાત્કાર

ઘર પાછળ જ આવેલા મંદિરે દરરોજ સાંજે આરતીમાં જતી બાળા ગઇકાલે આરતી પુરી થયા પછી પણ ન આવતાં માતા-પિતા શોધવા નીકળતાં લોહીલુહાણ મળી : સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવીઃ રવિ નામનો હવસખોર મુળ મધ્યપ્રદેશનો વતની : હવસખોર ઢગાને લોકોએ ઢીબી પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૨૨: મોરબીમાં રહેતાં મુળ યુપીના દંપતિની પાંચ વર્ષની પુત્રી સાંજે ઘર પાછળના ભાગે આવેલા મંદિરે આરતીમાં ગઇ ત્યારે એક હવસખોરે તેણીને મંદિર નજીક લઇ જઇ બળાત્કાર ગુજારી લોહીલુહાણ કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. દૂષ્કર્મનો ભોગ બનેલી આ બાળાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. લોકોએ આ હવસખોરને પકડી લઇ બરાબરનો ઢીબી નાંખ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. બાળકીને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં મોરબી પોલીસે હવસખોર વિરૂધ્ધ બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મોરબીમાં રહેતાં અને મજૂરી કરતાં યુવાનની પાંચ વર્ષની દિકરી સાંજે સાડા સાતેક વાગ્યે ઘરની પાછળ આવેલા શંકર મંદિરે નિત્યક્રમ મુજબ આરતી ચાલુ થતાં ત્યાં દર્શન કરવા ગઇ હતી. દરરોજ તે આરતી વખતે ત્યાં જાય છે. આરતી પુરી થઇ ગયા પછી પણ તે ઘરે ન આવતાં માતા-પિતા શોધવા નીકળતાં અને દિકરીના નામની બૂમો પાડતાં મંદિર નજીક પડેલી ખુરશીઓ પાછળથી દિકરી રડતી રડતી આવી હતી.

ત્યાં પાછળથી એક શખ્સ દોટ મુકી ભાગવા જતાં તેને લોકોએ પકડી લીધો હતો અને ધોલધપાટ કરી હતી.  પુછતાછમાં પોતાનું નામ રવિ મનસુખભાઇ પરમસુખ બધેલ (ઉ.વ.૨૨-રહે. હાલ મોરબી, મુળ મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. આ શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતાં હોઇ તેણીને મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

મોરબી બી-ડિવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ આર. બી. તાપરીયાએ આ મામલે રવિ મનસુખભાઇ બધેલ સામે આઇપીસી ૩૭૬ (એબી), ૩૫૪ તથા પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. બાળકી સાથે હવસખોરી આચરનાર રવિ મુળ મધ્યપ્રદેશનો વતની છ અને કલર કામની મજૂરી કરે છે. લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે.

(11:31 am IST)