સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

શેત્રુંજી નદીમાં ન્હાવા ગયેલ ટીમાણાના ધાંધલીયા પરિવારનો માળો વિખાયો

પિતા પુત્ર બંને ડૂબવા લાગતા પુત્રને બચાવી શકયાઃ દીકરી પત્નિની નઝર સામેજ યુવક ગરકાવ

ભાવનગર, તા.૨૨: તળાજાના ટીમાણા ગામે રહેતા ખેડૂત પરિવાર ના માતા પિતા પોતાના બંને સંતાનો દીકરી દીકરાને લઈ નજીકમાં વહેતી શેત્રુંજી નદીમાં ન્હાવા અને કપડાં ધોવા ગયા હતા. આ સમયે પિતા અને પુત્ર બંને તણાવા અને ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયા દ્વારા પુત્ર ને બચાવી શકયા હતા. યુવાન પિતા નું મોત થતા ધાંધલીયા પરિવારનો માળો વિખાયો હતો.

'કયા ભરોસા હે ઇસ ઝીંદગીકા' આ શબ્દો ને ચરિતાર્થ કરતી દુઃખદ ઘટના તળાજાના ટીમાણા ગામે બનવા પામી હતી.ટીમાણા ગામના ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ધાંધલીયા પરિવારના મુકેશ લાભશંકરભાઈ ઉવ.૩૫, પત્નિ દક્ષાબેન, દીકરો દીક્ષિત ઉ.વ.૧૦ અને દીકરી ઉર્વીબેન ગામનજીકથી વહેતી શેત્રુંજી નદીમાં કપડાં ધોવા અને ન્હાવા ગયા હતા. મુકેશભાઈ પોતાના દીકરા દીક્ષિત સાથે નાહતા હતા. તે સમય દરમિયાન પાણીનું તાણ વધારે હોય નદીમાં તણાવા લાગ્યા હતા. જેમાં સ્થાનિક તરવૈયા દીક્ષિતને બચાવી લેવામાં સફળથયા હતા. મુકેશભાઈ પાણીમાં તરતા આવડતું હોવા છતાંય ગરકાવ થઈ ગયા હતા.એકાદ કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો.ગામના પૂર્વ સરપંચ જીતુભાઇ પનોત એ જણાવ્યું હતુંકે ગામના બે મુસ્લિમ તરવૈયા યુવકો ઇરફાનભાઈ અને ઇકબાલભાઈ એ નાનકડા દીક્ષિત ને બચાવી લીધો હતો. બનાવના પગલે સાંસદ પી.એ તુલસીભાઈ મકવાણા ને ખબર પડતાં તેઓએ ડે. કલેકટર ને જાણ કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ ની ટીમ દોડી ગઈ હતી.

ટીમાણા ગામના પૂર્વ સરપંચ જીતુભાઇ પનોત એ જણાવ્યું હતુંકે આ ઘટના શેત્રુંજી નદી પરનો પુલ ન બનવાના કારણે બની છે. ટીમાણાં દાંતરડ ગામને જોડતો પુલ મંજુર થઈ ગયો છે. કોન્ટ્રકટર નક્કી થઈ ગયા છે. તેમ છતાંય લાંબા સમયથી એજન્સી કામ કરતી નથી. લોકો સખત પરેશાન થાય છે.

(10:23 am IST)