સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

કોરોના સામેની લડાઈમાં જામનગરની મહિલાઓએ ખાસ ગૌમુત્ર સેનિટાઈઝર કર્યું તૈયાર : લેબ પરીક્ષણમાં પાસ

કામધેનું દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીનું નવું ઇનોવેશનઃ પ્રમાણપત્ર મળ્યા બાદ વેચાણ : ગૌમુત્ર, તુલસી અને લીમડો સહિત અન્ય ઔષધીઓનું મિશ્રણ

જામનગર : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે,કોરોનાની કોઈ દવા શોધાઈ નથી પરંતુ સાવચેતી જ એક માત્ર વિકલ્પ છે. સાવચેતીના ભાગરૂપે લોકો સેનિટાઈઝર અને હેન્ડવોશનો ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝરથી કોરોના મરે છે પરંતુ વારંવાર સેનિટાઈઝરને ઉપયોગ નુકસાનકારક પણ છે. ચામડીના રોગો થવાની સંભાવના છે. ત્યારે જામનગરની એક સંસ્થાએ ગૌમુત્રમાંથી સેનિટાઈઝર તૈયાર કર્યું છે

 જામનગરમાં આવેલી મહિલાઓની એક સહકારી મંડળી શ્રી કામધેનું દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીએ ગૌમુત્રમાંથી સેનિટાઇઝર તૈયાર કર્યું છે. આ મંડળી નેચરલ પ્રોડકટનું ઉત્પાદન કરે છે. તેમની પ્રોડકટની દેશ અને વિદેશમાં ગણી જ માગ રહે છે. કોરોનાકાળમાં આ સહકારી મંડળીએ પોતાની સ્વાભાવિક કાર્યપદ્ઘતિ મુજબ ગૌમુત્ર, તુલસી અને લીમડો સહીત અન્ય ઔષધિઓના મિશ્રણથી હેન્ડ સેનેટાઈઝર તૈયાર કર્યું છે.

સહકારી મંડળીના પ્રમુખના કહેવા મુજબ આ સર્ટિફાઇડ આ સેનેટાઈઝર તદ્દન કેમિકલ મુકત છે. આનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. લેબોરેટરીના પરિક્ષણમાં પણ પાસ થયું છે. હવે તેના વેચાણ માટે પણ પ્રમાણપત્ર મળવાની તૈયારી છે. જેના કારણે થોડાક જ સમયમાં લોકોને કેમિકલથી મુકત અને સારી કવોલિટીની સેનિટાઈઝર મળી રહેશે.

જામનગરની મહિલાઓ લોકો માટે સારી વસ્તુ બનાવવાની સાથે સાથે પોતે પણ સારી રોજગારી કમાઈ રહી છે. કામધેનુ મહિલા મંડળી વર્ષ ૨૦૦૩થી કાર્યરત છે. અહીં અનેક પ્રાકૃતિક પ્રોડકટો બનાવે છે. જે માત્ર જામનગર જ નહીં પરંતુ જામનગર બહાર અને વિદેશમાં પણ જાય છે. ગૌમુત્ર અંગે અનેક ગુણગાન ગવાયા છે. ગૌમુત્રમાં જે શકિત છે જે બીજે કયાંય નથી. આપણા આયુર્વેદમાં ગૌમુત્ર, તુલસી અને લીમડાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જામનગરમાં મહિલાઓએ બનાવેલું આ સેનિટાઈઝર પણ આયુર્વેદના સુચવેલા નિયમો મુજબ જ તૈયાર કરાયું છે.

(11:35 am IST)