સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

ધારીના ખોડીયાર ડેમના પાણીનો જથ્થો અનામત રાખવા રજૂઆત

ધારી તા.૨૨ : ધારીમાં આવેલ ખોડીયાર ડેમનું પાણી પીવા માટે અનામત રાખવા બાબતે સરપંચે જણાવ્યું કે કલેકટરને રજૂઆતમાં જણાવેલ છે.

અમરેલી જિલ્લાના ધારી ગામ તથા ધારી તાલુકામાં ચાલુ સાલ ખૂબ જ ઓછો વરસાદ થયેલ છે અને ધારી ગામે નદી નાળાઓમાં આ વરસે પૂર આવેલ નથી. તેમજ દલખાણીયા જંગલ વિસ્તાર કે જયાંથી પૂરા વરસ માટેનો પાણીનો સ્ત્રોત આવે છે ત્યાં પણ વરસાદ નહીવત થયેલ હોય ધારી ગામે આવેલ ખોડીયાર ડેમમાં પાણીનો ખૂબ જ નહીવત પ્રમાણમાં જથ્થો જમા થયેલ છે.

ધારી ખોડીયાર ડેમમાંથી ધારી તાલુકાના ગામડા, વિસાવદર સુધી તથા ચલાલા નગરપાલીકા વિસ્તાર, અમરેલી નગરપાલીકા વિસ્તાર સુધી ધારી ખોડીયાર ડેમમાંથી પીવાનુ પાણી વિતરણ કરાય છે. જેથી પિયત માટે પાણી છોડવાથી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે.

હાલમાં ધારી ખોડીયાર ડેમમાં ૩૫% જેવો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય માંગણી છે કે, આવનાર સમયમાં કોઇપણ સંજોગોમાં ધારી ખોડીયાર ડેમમાંથી પિયત કે અન્ય રૂપે પાણી છોડવાની કોઇ કાર્યવાહીને મંજૂરી ન આપવા કારણ કે, હાલ પાણીનો જથ્થો સિમીત છે અને પિયત છોડવામાં આવે ત્યારે પાણીનો ઉપયોગ કરતા બગાડ વધુ પ્રમાણમાં થાય છે. ઉપરાંત પિયત માટે પાણી છોડવાથી ડેમનું ખાલી થઇ જવાથી પાણીના તળ ઉંડા જતા રહે છે. તેથી ધારી શહેરને પણ પીવાના પાણીની ખૂબ જ સમસ્યાઓ ઉભી રહે છે. ધારી ખોડીયાર ડેમમાં રહેલ પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવા માટે કરવાની કાર્યવાહી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી કાર્યવાહી કરાવવા રજૂઆતમાં જણાવેલ છે.(૪૫.૬)

(12:16 pm IST)