સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

ધોરાજી નરસંગ આશ્રમનાં મહંત લાલદાસબાપુના મોતનું રહસ્ય અકબંધઃ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

મૃતદેહ લોહી લુહાણમાં મળ્યો'તો, નજીકથી કપડા સળગેલી હાલતમાં મળતા તપાસનો ધમધમાટઃ સાધુ-સંતોમાં રોષ

ધોરાજી તા. રર :.. ધોરાજીનાં નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુનો મૃતદેહ કાલે શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ તેના મોતનું રહસ્ય હજુ અકબંધ છે. અને રાજકોટની હોસ્પિટલમાં ફોરેન્સીક પી. એમ. માટે ખસેડેલ છે. જેના રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે.

ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલ ઉદાસીન મહાનિર્વાણ અખાડાના નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુની લોહી લોહાણા હાલતમાં લાશ મળી આવતા જેના સાધુ સમાજમાં ઘેરા પડઘા પડયા હતા અને જૂનાગઢ ભવનાથથી મોટી સંખ્યામાં સાધુ સંતો ધોરાજી ખાતે દોડી આવ્યા હતાં. અને બનાવ અંગે પોલીસ ન્યાયીક તપાસ કરે એવી માગણી કરેલ હતી.

નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુની હત્યાના ઘેરા પડઘા જુનાગઢ ભવનાથમાં પણ પડયા હતાં. અને જુનાગઢ સાધુ સમાજના અગ્રણી સંતો શ્રી મહંત મહાદેવગીરીબાપુ, શ્રી થાના પતિ રામેશ્વર પુરી મહારાજ શ્રધ્ધાનંદગીરીબાપુ (પંચનાથ મહાદેવ મંદિર) થાનાપતિ શ્રી કૃપાલગીરી મહારાજ આહવાન અખાડા જુનાગઢ દિત્યાગીરીજી મહારાજ જુનાગઢ, વિગેરે સાધુ સંતો ધોરાજી ખાતે શ્રી દિગમ્બર લાલુગીરીજી મહારાજના આશ્રમ ખાતે દોડી આવ્યા હતા અને બનાવવાળી જગ્યાએ જઇ તપાસ કરી બનાવ અંગે સાધુ સમાજમાં ઘેરા પડઘા પડયાનું જણાવેલ હતું.

શ્રી મહંત મહાદેવગીરીબાપુ શુ કહે છે...

જૂનાગઢ ભવનાથ સાધુ સમાજના અગ્રણી શ્રી મહંત મહાદેવગીરીબાપુએ ધોરાજીમાં સાધુની હત્યા બાબતે  જણાવેલ કે, ધોરાજી નરસંગ આશ્રમના મહંત લાલદાસબાપુ અમારા સાધુ સમાજના ઉદાસીન મહાનિવાર્ણ અખાડાના મહંત છે. અમારા સાધુઓની કોઇ જ્ઞાતિ-જાતિ હોતી નથી પણ આ સંત અમારા સાધુ સમાજના છે અને અમોએ આશ્રમની મુલાકાત લીધી હતી અને બનાવ અંગે અમો એ પણ તપાસ હાથ ધરી છે. પોલીસ મહંતની હત્યાને આત્મહત્યા અથવા કમળ પૂજામાં ખપાવે છે... ? પરંતુ લાલદાસબાપુ એ કોઇ આત્મહત્યા કે કમળ પૂજા કરેલ નથી... કારણ કે જે મકાનમાં બાપુની લાશ લોહી લોહાણ હાલતમાં મળેલ છે અને ગળામાં તીક્ષ્ણ હથીયાર વડે ઇજાઓ જોવા મળેલ છે અને આશ્રમના મંદિર પાસે મહંતના કપડા બળેલ હાલતમાં બે જગ્યાએ જોવા મળેલ છે તેમજ જે ગળામાં હથીયારના તીક્ષ્ણ ઘા છે તે હથીયાર મળેલ નથી અને બાપુ પાસે રહેલ મોબાઇલ ફોન અને બાપુ પાસે રાખેલ રૂપિયા પણ મળેલ નથી... જે તમામ પાસાઓના બાપુની હત્યા થયેલ છે જેથી પોલીસ આત્મહત્યા કે કમળપૂજામાં બનાવ ખપાવે નહીં.. ? પોલીસ આ બનાવને ન્યાઇક તપાસ કરે નહીંતર જુનાગઢ અખાડાના પ૦૦ સાધુ સંતો ધોરાજી દોડી આવશે.

શ્રી દિગમ્બર લાલુગીરીજી મહારાજ શું કહે છે

ધોરાજી આહવાન અખાડાના શ્રી દિગમ્બર શ્રી મહંત લાલુગીરીજી ગુરૂશ્રી મહંત શિવસાગરજી મહારાજએ સાધુ સંતોની બેઠકમાં જણાવેલ કે સૌરાષ્ટ્રમાં એકપણ મંદિરના સાધુ સંતોની સુરક્ષા નથી.. સરકાર આ બાબતે ગંભીરતાથી લઇ મંદિરો આશ્રમોની સુરક્ષા માટે ખાસ પેટ્રોલીંગ હાથ ધરે ધોરાજીમાં જે બનાવ બનેલ છે જે દુઃખદ છે. સાધુ સમાજ માટે ઘેરા પડઘા છે. ધોરાજીમાં પણ અનેક ધર્મ સ્થાનો ગામ બહાર છે એની પણ સુરક્ષા હોવી જોઇએ. આ બાબતે સરકારે ગંભીરતા લઇ વિચાર કરવો જોઇએ. સૌરાષ્ટ્રમાં અનેક ધર્મસ્થાનોમાં ચોરીના બનાવો અને સાધુ સંતો ઉપર હુમલાના બનાવો બન્યા છે.. જેથી પોલીસ અન્ય ધર્મસ્થાનોને ધ્યાનમાં રાખી સુરક્ષાઓ વધારે. (પ-૧૬)

(12:12 pm IST)